<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

પાકિસ્તાનનો ભયાનક વિશ્વાસઘાત: મધ્યસ્થીના નામે ટ્રમ્પની પીઠમાં છરો ભોંક્યો? ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો

ડ્રેગનની ચાલ કે પાકનું ષડયંત્ર?: કાલુપુર કે માણેજાની જેમ આખું વિશ્વ સ્તબ્ધ:નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોનો જમાવડો: અમેરિકાના હુમલાથી બચાવવા પાકિસ્તાને ઈરાનને ‘સેફ હેવન’ પૂરું પાડ્યું? ટ્રમ્પ પ્રશાસન લાલચોળ, મધ્યસ્થીની ભૂમિકા સામે મોટા સવાલો

નવી દિલ્હી: રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટના જંગ વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર પોતાની ‘બેધારી તલવાર’ જેવી નીતિ પ્રદર્શિત કરી છે. અમેરિકાના મીડિયા આઉટલેટ CBS News ના ચોંકાવનારા ઘટસ્ફોટ મુજબ, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર હતો, ત્યારે પાકિસ્તાને ગુપ્ત રીતે ઈરાનના લશ્કરી વિમાનોને પોતાના નૂર ખાન એરબેઝ પર પાર્ક કરવાની મંજૂરી આપી હતી. આ એ જ એરબેઝ છે જે રાવલપિંડીમાં લશ્કરી હેડક્વાર્ટરની નજીક છે.

CBS ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલના પ્રારંભમાં યુદ્ધવિરામની જાહેરાત કરી તેના થોડા સમય બાદ જ ઈરાને તેના અનેક સૈન્ય વિમાનો રાવલપિંડી પાસે આવેલા પાકિસ્તાન એરફોર્સના 'નૂર ખાન એરબેઝ' પર ખસેડ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ વિમાનોમાં ઈરાની વાયુસેનાનું RC-130 રિકોનિસન્સ વિમાન પણ સામેલ હતું. આ પગલાનો મુખ્ય હેતુ ઈરાનની બાકી રહેલી સૈન્ય વિમાન સંપત્તિને અમેરિકાના સંભવિત વિનાશક હુમલાઓથી સુરક્ષિત રાખવાનો હતો.

આ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, "જો આ અહેવાલ સાચો છે, તો ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકાનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન કરવું પડશે." તેમણે પાકિસ્તાનના ઈઝરાયલ પ્રત્યેના વલણને જોતા આ ઘટના સત્ય હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

માત્ર પાકિસ્તાન જ નહીં, ઈરાને તેના નાગરિક વિમાનો પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં પણ મોકલ્યા હોવાના અહેવાલ છે. કાબુલ અને હેરાત એરપોર્ટ પર મહાન એરના વિમાનો જોવા મળ્યા હતા. જોકે, અફઘાનિસ્તાનના તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ અહેવાલોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ઈરાનને વિમાનો અહીં ખસેડવાની કોઈ જરૂર નથી.

(5:31 PM IST)