News of Monday, 29th June 2026
માતા-પિતા આંખ ઉઘાડીને વાંચી લેજો: ૨ વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપ્યો તો આખી જિંદગી રડવાનો વારો આવશે
માસૂમોના મગજનો વિકાસ રૂંધાશે અને આંખોની રોશની કાયમ માટે છીનવાઈ જશે: સ્માર્ટફોનની બ્લુ લાઈટ બાળકોને બનાવી રહી છે માનસિક રોગી

નવી દિલ્હી: જો તમે પણ તમારા રડતા બાળકને શાંત રાખવા કે તેને ઝડપથી જમાડવા માટે ફોન આપી રહ્યા છો, તો તમે અજાણતા જ તેના ભવિષ્ય સાથે ઘોર રમત રમી રહ્યા છો. આંતરરાષ્ટ્રીય બાળ ચિકિત્સા જર્નલ (Pediatrics Journal) ના તાજેતરના ચોંકાવનારા અહેવાલો મુજબ, ૨ વર્ષથી નાની ઉંમરના બાળકોનું મગજ અત્યંત સંવેદનશીલ અને વિકાસશીલ હોય છે. આ નાજુક ઉંમરે ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ બાળકોમાં (Early Cognitive Impediment) નું મુખ્ય કારણ બની રહ્યો છે, જેનાથી બાળકો મોડા બોલતા શીખે છે અને તેમની એકાગ્રતા શૂન્ય થઈ જાય છે. એટલું જ નહીં, કલાકો સુધી સતત ઝળહળતી સ્ક્રીન સામે જોવાથી તેમની આંખોની નસો સુકાઈ જાય છે, જે ભવિષ્યમાં (Irreversible Neuro-Ocular Degeneration) એટલે કે કાયમી અંધાપા તરફ દોરી જઈ શકે છે.
યુનિવર્સિટી ઓફ લીડ્સ, લીડ્સ ટ્રિનિટી, લફબરો અને એસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની બનેલી 'એક્શન ઓન ડિજિટલ ડિવાઇસ ઇમર્સિવ કન્ડિશન્સ ટીમ' ના અહેવાલ મુજબ, આટલી નાની ઉંમરે સ્ક્રીન જોવાથી બાળકોમાં અનેક પ્રકારના નુકસાન થાય છે. આનાથી બાળકોને તેમના માતા-પિતા કે કેરગિવર્સ સાથે ભાવનાત્મક સંબંધ બાંધવાની તકો ઘટી જાય છે, અન્ય બાળકો સાથે શારીરિક રમત રમવાનો સમય ઓછો મળે છે અને ભાષાનો વિકાસ મર્યાદિત થઈ જાય છે. આ ઉપરાંત, અતિશય સ્ક્રીન યુઝથી બાળકોમાં ઓવરસ્ટિમ્યુલેશન વધે છે, ઊંઘવામાં મુશ્કેલી પડે છે, આંખોના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને બાળપણમાં જ મેદસ્વીતાનો ખતરો વધી જાય છે.
અભ્યાસના સહ-વડા રાફે ક્લેટોને જણાવ્યું કે, માતા-પિતા પોતાની સ્ક્રીનની આદતો અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ન હોવાને કારણે અજાણતા જ પોતાના બાળકોને સ્ક્રીન ઉપકરણો સાથે બિનઆરોગ્યપ્રદ સંબંધો કેળવવાનું શીખવી રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે શિશુઓ હવે માતા-પિતા પાસે જવાને બદલે શાંત થવા અને આશ્વાસન મેળવવા માટે ડિજિટલ ઉપકરણો તરફ વળી રહ્યા છે. સંશોધકોએ સ્પષ્ટપણે ભલામણ કરી છે કે બે વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને જાણીજોઈને નિયમિત સ્ક્રીન ટાઇમ આપવો જ જોઈએ નહીં. સોસાયટીમાં પેસિવ એક્સપોઝર અનિવાર્ય છે, પરંતુ જાણીજોઈને બાળકોને ફોન આપવો તેમના જોખમને બમણું કરે છે.
આ અહેવાલે બ્રિટન સરકારની તાજેતરની પાંચ વર્ષથી નાના બાળકો માટેની સ્ક્રીન ટાઇમ માર્ગદર્શિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેમાં વીડિયો કોલિંગ કે લર્નિંગ જેવી કેટલીક મર્યાદિત બાબતો માટે સ્ક્રીન શેર કરવાની છૂટ અપાઈ છે. સંશોધકોનું કહેવું છે કે આવી છૂટછાટોથી માતા-પિતા એવું સમજી બેસે છે કે અમુક પ્રકારનો સ્ક્રીન ટાઇમ સુરક્ષિત છે, જે આખરે બાળકો માટે નુકસાનકારક સાબિત થાય છે. ભૂતપૂર્વ મંત્રી એન્ડ્રિયા લીડસમ અને અન્ય નિષ્ણાતોએ પણ આ અહેવાલને 'વેક-અપ કોલ' ગણાવ્યો છે અને ટેક કંપનીઓને એવી વિનંતી કરી છે કે તેઓ બાળકો માટે યોગ્ય ન હોય તેવા કન્ટેન્ટને 'બાળકો માટે લાયક' કહીને પ્રમોટ કરવાનું બંધ કરે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
