News of Tuesday, 2nd June 2026
પાકિસ્તાનમાં પાવર કટોકટીનો પ્રચંડ વિસ્ફોટ: વીજળી બચાવવા આખા દેશમાં રાત્રિના ૮.૩૦ પછી બજારો-દુકાનો બંધ રાખવા સરકારનો કડક ફતવો
મેરેજ હોલ અને બેકરીઓ પર પણ રાત્રે ૧૦ પછી વાગશે તાળા: આર્થિક તંગી વચ્ચે જનતાના મોજ-શોખ પર લાગી કડક બ્રેક: ઉલ્લંઘન કરનારાઓ સામે લશ્કરી એક્શનની ચીમકી

નવી દિલ્હી: આર્થિક રીતે કંગાળિયત તરફ ધકેલાઈ રહેલા પડોશી દેશ પાકિસ્તાનમાંથી વધુ એક મોટો અને સણસણતો અહેવાલ સામે આવ્યો છે. દેશમાં સર્જાયેલી ભયાનક વીજળીની અછત અને વિદેશી હૂંડિયામણની કટોકટીને પહોંચી વળવા માટે પાકિસ્તાન સરકારે આખા દેશમાં કટોકટી જેવા આકરા નિયમો જાહેર કર્યા છે. નવા સત્તાવાર આદેશ મુજબ, દેશના તમામ નાના-મોટા શહેરોમાં રાત્રે ૮.૩૦ વાગ્યા પછી એક પણ દુકાન કે વ્યાપારી એકમ ખુલ્લું રાખી શકાશે નહીં. આ ઉપરાંત, લગ્નપ્રસંગોના હોલ, રેસ્ટોરન્ટ્સ અને બેકરીઓ પર પણ રાત્રે ૧૦ વાગ્યા પછી કડક તાળા મારી દેવાનો આદેશ કરાતા વેપારી આલમમાં ભારે હોબાળો મચી ગયો છે.
તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. તેથી ઉર્જા બચાવવા દુકાનો તથા અન્ય વ્યાપારી સંસ્થાનો રાત્રિના આઠ વાગે બંધ કરી દેવાનો કડક હુકમ બહાર પડી ગયો છે.
ઇસ્લામાબાદના ડેપ્યુટી કમિશ્નર ઇરફાન મેમણે સોશ્યલ મીડિયા ઉપર જાહેર કર્યું હતું કે, આ નિયમનો પાળવા ફરજિયાત છે તે સપ્તાહના સાતે દિવસ અમલી રહેશે. ઇસ્લામાબાદના ડીસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને પ્રસિદ્ધ કરેલા જાહેરનામા પ્રમાણે ૧લી જૂન, ૨૦૨૬થી દરેક દુકાનો, શોપિંગ મૉલ્સ, રાત્રિના ૮-૦૦ વાગે બંધ કરવા પડશે. જ્યારે રેસ્ટોરાં, અનાજ કરિયાણાની દુકાનો, બેકરી તથા ખાણીપીણીના સ્ટોલ્સ રાત્રિના ૧૦ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
આ જાહેરનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મેરેજ હૉલ્સ. નૃત્યુગૃહો, સિનેમા, થિયેટર્સ રાત્રિના ૧૦ વાગે બંધ કરવા જ પડશે પરંતુ ફાર્મસીઝ (મેડિકલ સ્ટોર્સ), હૉસ્પિટલ્સ, પેટ્રોલ પંપ, શોપ્સ, સ્પોર્ટસ ફેસીલીટી, કૉલ સેન્ટર્સ, અને વિદેશોના (ખાસ કરીને અમેરિકામા) વસતા પોતાના ક્લાયન્ટસને સેવા આપતા કૉલ-સેન્ટર્સને આ નિયમો અને અંકુશોમાંથી મુક્ત રાખવામાં આવશે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
