<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મિડલ ઈસ્ટમાં મહાવિસ્ફોટની તૈયારી: અમેરિકા-ઇઝરાયલનો ગુપ્ત પ્લાન લીક: અલ-અક્સા મસ્જિદને ૩ ધર્મોનું કેન્દ્ર બનાવવાની હિલચાલથી ઇસ્લામિક દેશોમાં ભારે ખળભળાટ

જેરૂસલેમના સૌથી વિવાદાસ્પદ પવિત્ર સ્થળ પર નવો વૈશ્વિક સટ્ટો: પડદા પાછળ રમાઈ રહી છે મોટી રાજદ્વારી રમત:માસ્ટરપ્લાનની ગંધ આવતા જ આરબ દેશો લાલઘૂમ, યુદ્ધના ભણકારા

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ અને મિડલ ઈસ્ટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને જોખમી ગણાતો રાજદ્વારી માસ્ટરપ્લાન સામે આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. ગુપ્તચર અહેવાલો અને આંતરરાષ્ટ્રીય મીડિયાના લીક થયેલા દસ્તાવેજો મુજબ, અમેરિકા અને ઇઝરાયલના ટોચના રાજદ્વારીઓ વચ્ચે જેરૂસલેમમાં આવેલી પવિત્ર અલ-અક્સા મસ્જિદ (જેને યહૂદીઓ 'ટેમ્પલ માઉન્ટ' કહે છે) ના ભવિષ્યના સ્ટેટસને બદલવા માટે એક અત્યંત ગુપ્ત યોજના પર ચર્ચા ચાલી રહી છે. આ પ્લાન હેઠળ અલ-અક્સા અને તેની આસપાસના સમગ્ર પરિસરને કોઈ એક ધર્મના બદલે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ—આ ત્રણેય અબ્રાહમિક ધર્મોના એક સંયુક્ત અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દરખાસ્ત હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઇઝરાયલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબી એક નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે. આ યોજના હેઠળ અલ-અક્સા મસ્જિદની માત્ર મુસ્લિમ ઓળખ ઓછી કરીને તેને મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ માટેના એક મલ્ટી-ફેથ સેન્ટર તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે. આ પરિસરમાં યહૂદીઓને સમાન અધિકાર અને મોટા સમૂહમાં સત્તાવાર રીતે પ્રાર્થના કરવાની મંજૂરી આપવાની વાત છે.
ઇઝરાયલીઓ આ સ્થળને ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાવે છે. મસ્જિદના ઈમામ અને ધાર્મિક વક્તાઓની નિમણૂક તેમજ શુક્રવારના ધાર્મિક પ્રવચનો (ખુત્બા)ની સામગ્રી પર પણ ઇઝરાયલની મંજૂરી લેવી પડી શકે છે. જોર્ડન સમર્થિત ઇસ્લામિક વક્ફની ભૂમિકા હટાવીને બહેરીન, ઇજિપ્ત, મોરોક્કો અને યુએઈ (UAE) જેવા દેશોને વારાફરતી આ પરિસરની દેખરેખ સોંપવાનો પ્રસ્તાવ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા આ પ્રકારના કોઈપણ પ્રસ્તાવની સખત વિરુદ્ધમાં છે. સાઉદી અરેબિયાનું માનવું છે કે, આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે જોર્ડનની સંરક્ષક તરીકેની ભૂમિકા અત્યંત જરૂરી છે. જો જોર્ડનને હટાવવામાં આવશે તો સમગ્ર મિડિલ ઈસ્ટમાં તણાવ અને હિંસા ખૂબ વધી શકે છે.

 

(5:53 PM IST)