તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
પુતિનનો ‘પ્લાન-૧૧’: રશિયાએ ૧૧ દેશોની હિટલિસ્ટ જાહેર કરતા ખળભળાટ: એક ‘ચાલાક’ મુસ્લિમ દેશ પર પણ જોખમ
મોસ્કોની બાઝ નજર: રશિયા વિરોધી પ્રવૃત્તિ કરનારા દેશોને પુતિનની ખુલ્લી ચેતવણી:લિસ્ટમાં સામેલ દેશોના શ્વાસ અધ્ધર: વિશ્વ રાજકારણમાં નવો વળાંક

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર દુનિયાને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. રશિયાએ સત્તાવાર રીતે ૧૧ એવા દેશોની યાદી જાહેર કરી છે જેમને તે 'દુશ્મન' અથવા 'બિન-મિત્ર' માને છે. આ હિટલિસ્ટમાં અમેરિકા અને બ્રિટન જેવા મોટા નામો તો છે જ, પરંતુ સૌથી વધુ ચર્ચા એક એવા મુસ્લિમ દેશની થઈ રહી છે જે અત્યાર સુધી રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે 'ચાલાકી' થી બેલેન્સ જાળવી રહ્યો હતો.
માનવામાં આવે છે કે આ લિસ્ટમાં સામેલ દેશો પર રશિયા આર્થિક પ્રતિબંધોથી લઈને રાજદ્વારી સંબંધો તોડવા સુધીની કડક કાર્યવાહી કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ હિટલિસ્ટ જાહેર કરીને પુતિને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે રશિયા કોઈ પણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારવા તૈયાર નથી. આ સમાચાર બાદ યુરોપ અને એશિયાના ઘણા દેશોમાં દોડધામ મચી ગઈ છે અને પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવા મજબૂર બન્યા છે.
રશિયાની સુરક્ષા પરિષદના ડેપ્યુટી ચીફ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર આ લિસ્ટ શેર કરતા યુરોપિયન દેશો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વ્યંગ કરતા લખ્યું કે, યુરોપિયન પાર્ટનર્સ, હવે શાંતિથી સુઈ જાઓ. મેદવેદેવે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે ફેક્ટરીઓમાં યુક્રેન માટે ડ્રોન અને હથિયારો બની રહ્યા છે, તે હવે રશિયન મિસાઇલોના નિશાન પર છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દેશો યુક્રેન માટે સ્ટ્રેટેજિક રિયર એરિયા બની ગયા છે. રશિયાની હિટલિસ્ટમાં સામેલ મુખ્ય દેશોમાં બ્રિટનનું લંડન, લીસેસ્ટર, રીડિંગ અને સફોલ્ક જેવા શહેરોમાં આવેલા ડ્રોન સેન્ટર્સ છે. આ ઉપરાંત યુરોપિયન દેશોમાં જર્મની, પોલેન્ડ, સ્પેન, ઇટાલી, નેધરલેન્ડ, ડેનમાર્ક, લાતવિયા, લિથુઆનિયા અને ચેક રિપબ્લિકનો પણ સમાવેશ થાય છે. જ્યારે મુસ્લિમ દેશ તુર્કિયેમાં પણ રશિયાનો દાવો છે કે અહીં યુક્રેન માટે ડ્રોનના સ્પેરપાર્ટ્સ બને છે. ઇઝરાયલના સ્થળો પણ રશિયાના રડાર પર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
