<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

અમેરિકાના H-1B વિઝા માટે અંધાધૂંધ ડોલરની વરસાદ, કરોડોનો આંધળો ખેલ: ૨ લાખથી વધુ લોકોએ વિઝા મેળવવા એક-એક લાખ ડોલર હોમી દીધા, આખી દુનિયા સ્તબ્ધ

અમેરિકન ડ્રીમ પાછળ યુવાનો કંગાળ થવા તૈયાર!, ભારે ચકચાર: ૨.૮૬ લાખ આશાસ્પદોની લાઈન લાગી, આઈટી હબ વડોદરા-અમદાવાદ સહિત આખા દેશમાં મસમોટો ફફડાટ અને આક્રોશ

નવી દિલ્હી: યુએસએ (USA) ના વર્ક વિઝા મેળવીને વિદેશની ધરતી પર અબજોપતિ બનવાના સપના જોતા પ્રોફેશનલ્સ માટે આંખો ચાર કરી દેતો એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, યુએસ ઇમિગ્રેશન વિભાગમાં H-1B વિઝા માટે આ વર્ષે અકલ્પનીય કહી શકાય તેવી પૂરી ૨.૮૬ લાખ જેટલી મસમોટી અરજીઓનો ખડકલો થયો હતો. આ કપરા કમ્પિટિશન અને લોટરી સિસ્ટમમાંથી પાર ઉતરવા માટે ૨ લાખથી વધુ અરજદારોએ કાયદાકીય ફી, કન્સલ્ટિંગ અને સ્પોન્સરશિપના નામે બિલકુલ પાણીની જેમ પૈસા વહાવીને એક-એક લાખ અમેરિકન ડોલર (અંદાજે ૮૩ લાખ રૂપિયા) જેટલી તોતિંગ રકમ ચૂકવી દીધી હોવાનો પર્દાફાશ થયો છે!
સેનેટ એપ્રોપ્રિએશન્સ સબ કમિટી સામે વાતચીત દરમિયાન મુલિને જણાવ્યું હતું કે, ડીએચએસ (DHS)ને નાણાકીય વર્ષ 2026માં અત્યાર સુધીમાં એચ-1બી વિઝા માટે કુલ 2,86,000 (2.86 લાખ) અરજીઓ મળી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમાંથી 2,00,000થી વધુ અરજકર્તાઓએ અમેરિકા આવવા માટે એક લાખ ડૉલરની વધારાની ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. મુલિને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ રીતે એક લાખ ડૉલર ચૂકવનારા લોકોના દસ્તાવેજો માત્ર 15 દિવસમાં જ પ્રોસેસ થઈ જાય છે, જ્યારે સામાન્ય પ્રક્રિયા પસંદ કરનારા અન્ય અરજકર્તાઓના વિઝા પ્રોસેસ થવામાં 7.5 મહિના જેટલો લાંબો સમય લાગે છે.
બીજી તરફ, અલાસ્કાના રિપબ્લિકન સેનેટર લિસા મુર્કોવ્સ્કીએ પોતાના રાજ્યના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની ભારે અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુલિનને સ્પષ્ટ જણાવ્યું હતું કે, શિક્ષકો માટે એચ-1બી વિઝાના નિયમો અંગે તેમણે અગાઉ જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા, તે વિશે તેઓ આગળ પણ ચર્ચા ચાલુ રાખશે. આ જ મુદ્દાને આગળ વધારતા, અન્ય અમેરિકન સેનેટર સુસાન કોલિન્સે પણ મુલિન સમક્ષ દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડૉક્ટરોની ચાલી રહેલી મોટી અછતનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો.
કોલિન્સે જ્યારે મુલિનને પૂછ્યું કે શું મેડિકલ પ્રોફેશનલને આ ફીમાં મુક્તિ આપવા માટે વિચારવામાં આવશે? તો તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે કોઈ અન્ય દેશમાંથી કોમ્પ્યુટર નિષ્ણાતને ધનિક કેલિફોર્નિયા અને સિલિકોન વેલીમાં કામ કરવા માટે બોલાવવા અને ઉત્તરી મેનની કોઈ ગ્રામીણ હોસ્પિટલમાં કામ કરવા માટે એક ખૂબ જ જરૂરી સર્જનને બોલાવવામાં ઘણો મોટો તફાવત છે.

 

(5:29 PM IST)