તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ઘાતક પ્રહાર: શક્તિશાળી બેલાસ્ટિક મિસાઈલ્સના વરસાદથી રાજધાની કીવ ધણધણી ઉઠ્યું: અનેક ઇમારતો ખેદાન-મેદાન
એર ડિફેન્સ સિસ્ટમ ફેઈલ થતાં રશિયન મિસાઈલો સીધી રહેણાંક અને વ્યુહાત્મક ઠેકાણાઓ પર ત્રાટકી: કીવમાં બ્લેકઆઉટ વચ્ચે સેંકડો લોકોના મોતના અહેવાલથી ભારે હાહાકા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા લોહિયાળ જંગમાં મોડી રાત્રે રશિયન સૈન્ય દ્વારા અચાનક જ યુક્રેનની રાજધાની કીવને નિશાન બનાવીને અત્યંત આધુનિક અને વિનાશક બેલાસ્ટિક મિસાઈલ્સનો પ્રચંડ મારો ચલાવવામાં આવતાં સમગ્ર કીવ શહેર હલી ગયું છે અને ભારે પાયમાલી સર્જાઈ હોવાના સનસનાટીભર્યા અહેવાલ પ્રાપ્ત થયા છે; યુક્રેનના સૈન્ય વડાના જણાવ્યા અનુસાર રશિયાએ જુદી જુદી દિશાઓમાંથી એકસાથે અલ્ટ્રા-મોડર્ન બેલાસ્ટિક મિસાઈલો છોડી હોવાથી કીવની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે મિસાઈલો સીધી સરકારી કચેરીઓ, પાવર સ્ટેશનો અને રહેણાંક ટાવરો પર આવીને પડતાં ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી છે અને સમગ્ર કીવ શહેરમાં વીજ પુરવઠો ગુલ થઈ જતાં ઘોર અંધારપટ છવાઈ ગયો છે, આ ભીષણ તારાજીમાં અનેક નાગરિકો કાટમાળ નીચે દબાયા હોવાની અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વચ્ચે યુક્રેનની બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી છે જ્યારે આ પ્રચંડ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વના દેશો પાસે તાકીદે વધુ સૈન્ય મદદની ગુહાર લગાવી છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્વિયાતોશિન્સ્કી વોર્ડમાં બચાવ કર્મીઓએ એક ખાનગી મકાનમાં આગ લાગી હતી તે આગ વચ્ચેથી ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા તે ઉપરાંત શેવયેંક્વિસ્કી વોર્ડમાં ત્રણ માળની એક સળગતી ઇમારતમાંથી આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એક અન્ય ઇમારતને લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે યુક્રેનને હવાઈ રક્ષા-પ્રણાલીની ગંભીર અછત ભોગવી રહ્યું છે. અમેરિકાના પેટ્રિએટ મિસાઈલ્સ રશિયન બેલાસ્ટિક મિસાઈલ્સને ઇન્ટરસેપ્ટ કરી, રોકવા માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. પરંતુ, કીવ તેની અછત ભોગવી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આખી રાત ચાલેલા યુક્રેની ડ્રોન હુમલા પૈકી, ૧૪૦ ડ્રોન વિમાનો તોડી પાડયાં હતા. શનિવારે રાત્રે આઠ વાગ્યાથી રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં, બેલગોરોડ, બ્રીયાંસ્ક વોરોનિશ, કલુગા કર્સ્ક, રોસ્તોવ તથા મોસ્કો આસપાસનો વિસ્તાર ક્રાસ્નોડાર ક્રાઈ, ક્રીમીયા તથા એઝોલા અને બેડુસી વિસ્તારમાં ડ્રોન્સ નષ્ટ કરવામાં આવ્યા હતા.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
