<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

માનવ શરીરનું સૌથી મોટું રહસ્ય વિજ્ઞાને ખોલ્યું: મગજની મધ્યમાં રહેલી 'ત્રીજી આંખ'માંથી જન્મી છે આપણી આજની બંને આંખો:આધ્યાત્મ અને વિજ્ઞાનનો અદભુત સમન્વય

પાઈનિયલ ગ્રંથિ (Pineal Gland) જ વાસ્તવમાં આપણી મુખ્ય આંખ હતી: કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન મગજની અંદર સંકોચાઈ ગઈ અને બહાર બે નવી આંખો વિકસી: નવો વૈજ્ઞાનિક ખુલાસો

નવી દિલ્હી: માનવ શરીરની રચના અને તેના લાખો વર્ષો જૂના ઇતિહાસને લઈને વૈજ્ઞાનિકોએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને દુનિયાભરના વિજ્ઞાનીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આપણે જેને સામાન્ય રીતે માત્ર આધ્યાત્મિક કે ધાર્મિક દૃષ્ટિએ શિવજીની 'ત્રીજી આંખ' અથવા જ્ઞાનચક્ષુ તરીકે ઓળખીએ છીએ, તે વાસ્તવમાં માનવ ઉત્ક્રાંતિનો એક જીવંત પુરાવો છે. લેટેસ્ટ વૈજ્ઞાનિક સંશોધનો (Scientific Research) મુજબ, મગજની બિલકુલ મધ્યમાં આવેલી પાઈનિયલ ગ્રંથિ (Pineal Gland) એ આપણી પ્રાચીનકાળની ત્રીજી આંખ જ છે, અને આપણી આજની જે બે આંખો બહાર દેખાય છે, તેનો જન્મ કરોડો વર્ષો પહેલાં આ જ કેન્દ્રીય આંખમાંથી થયો હતો.
ફોટોરિસેપ્ટર્સની જુગલબંધી અને આંખોની વિશિષ્ટતા
આપણી આંખના પડદા(Retina) પર બે પ્રકારના મુખ્ય કોષ હોય છે જેને વિજ્ઞાનની ભાષામાં 'ફોટોરિસેપ્ટર્સ' કહે છે:
- સિલિઅરી કોષો (Rods and Cones): જે આપણને પ્રકાશ અને રંગો જોવામાં મદદ કરે છે.
- રેબડોમેરિક કોષો: જે ગેન્ગ્લિઅન જેવા ચેતા કોષો છે અને મગજ સુધી સંદેશા પહોંચાડે છે.
દુનિયાના અન્ય કરોડરજ્જુ વગરના જીવો(જેમ કે, કીડા કે મકોડા)માં આ બંને કોષો અલગ-અલગ જગ્યાએ કામ કરે છે. અર્થ્રોપોડ્સ અને મોલસ્ક જેવા પ્રાણીઓમાં જોડીમાં આવેલી બાજુની આંખો માત્ર રેબડોમેરિક કોષોથી બનેલી હોય છે, જ્યારે સિલિઅરી કોષો મગજની અંદર છુપાયેલા રહે છે. પરંતુ મનુષ્યો અને માછલીઓ જેવા જટિલ જીવોમાં આ બંને પ્રકારના કોષો એક અનોખી સર્કિટ બનાવીને આંખની અંદર જ સાથે કામ કરે છે. આ બંને વિરોધી સિસ્ટમને જોડવાનું કામ 'બાયપોલર કોષો' કરે છે, જે નર્વસ સિસ્ટમમાં જોવા મળતું ખૂબ જ દુર્લભ લક્ષણ છે.
વિજ્ઞાનીઓના મતે, આ રહસ્યના તાર કેમ્બ્રિયન (Cambrian) યુગના આપણા એવા પૂર્વજો સાથે જોડાયેલા છે, જે સમુદ્રના તળિયે સ્થિર રહીને માત્ર ગાળણ ક્રિયા (‘ફિલ્ટર ફીડિંગ’- પાણીમાં તરતા પોષક તત્ત્વો કે કણોને ગાળીને ખાવાની પ્રક્રિયા) દ્વારા ખોરાક મેળવતા હતા. આ શાંત જીવનશૈલીને કારણે તેમને આસપાસ જોવા માટે બાજુની આંખોની જરૂર નહોતી, જેથી તેમણે ઉત્ક્રાંતિ વખતે પોતાની બાજુની આંખો ગુમાવી દીધી. પરંતુ, તેમની પાસે મગજની મધ્યમાં એક પ્રકાશ સંવેદનશીલ અંગ (Median Eye) બચ્યું હતું. આ મધ્ય અંગ સમય જતાં બે ભાગમાં વહેંચાયું અને તેમાંથી 'પાઇનલ ગ્રંથિ' (જેને આપણે ત્રીજી આંખ કહીએ છીએ) અને આપણી આધુનિક જોડીદાર આંખો(Retina)નો વિકાસ થયો.
પાણીની અંદર જીવતા જીવો માટે માત્ર પ્રકાશની તીવ્રતાથી દિવસ-રાતનો અંદાજ મેળવવો મુશ્કેલ હોય છે, કારણ કે વાદળો, પાણીની ઊંડાઈ કે દિશા બદલાવાથી પ્રકાશ ઓછો-વત્તો થતો રહે છે. આ અસ્પષ્ટતાને દૂર કરવા માટે પ્રારંભિક કોર્ડેટ્સમાં સિલિઅરી અને રેબડોમેરિક કોષો એકસાથે જોડાયા. આ દ્વિ-રીસેપ્ટર સિસ્ટમને કારણે પ્રાણીઓ પાણીની ઊંડાઈ અને સમય વચ્ચેનો ભેદ પારખતા શીખ્યા. ધીમે-ધીમે આ સ્માર્ટ સિસ્ટમ મગજની મધ્યમાંથી ખસીને બાજુ પર આવી ગઈ, જેથી પ્રાણીઓ વધુ સારી રીતે દિશા નક્કી કરી શકે અને હલનચલન કરી શકે.

 

(5:26 PM IST)