તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 25th April 2026
મે મહિનામાં ‘સૂર્યનારાયણ’ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે: અલ નીનોના કારણે ભીષણ ગરમીની આગાહી: WMOની લાલબત્તી
વેકેશનમાં પરસેવે રેબઝેબ થવા તૈયાર રહેજો: ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની જુગલબંધીથી પારો ૪૫ ડિગ્રી પાર જવાની દહેશત: મે મહિનાથી આકરી લૂ ફૂંકાશે: એશિયાના દેશોમાં હીટવેવનો કહેર વર્તાશે: પીવાના પાણીની તંગી અને ખેતી પર સંકટના વાદળો?

નવી દિલ્હી: વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ દુનિયાભરના દેશોને ઉનાળાના આકરા દિવસો માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. 'અલ નીનો'ની સક્રિયતાને કારણે ૨૦૨૬નું વર્ષ રેકોર્ડબ્રેક ગરમીનું વર્ષ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં મે મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં અસહ્ય વધારો જોવા મળશે. હવામાન વિભાગના મતે, સામાન્ય કરતા ગરમીનો પારો ૪ થી ૫ ડિગ્રી ઉંચો જઈ શકે છે, જે હીટવેવની સ્થિતિ સર્જશે.
નિષ્ણાતોના મતે, અલ નીનોને કારણે સમુદ્રની સપાટીનું તાપમાન વધ્યું છે, જેની સીધી અસર જમીન પરના વાતાવરણ પર પડી રહી છે. મે મહિનામાં જ્યારે વેકેશનની મોસમ જામી હશે, ત્યારે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી શકે છે. તંત્ર દ્વારા અત્યારથી જ હીટ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પણ લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવા અપીલ કરી છે. જો આ આગાહી સાચી પડી તો ૨૦૨૬નો ઉનાળો ઇતિહાસની સૌથી ગરમ સીઝન બની રહેશે.
WMO એ જણાવ્યું છે કે મે, જૂન અને જુલાઈ દરમિયાન જમીનનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે લગભગ દરેક જગ્યાએ કાળઝાળ ગરમી પડી શકે છે. સંસ્થાનું માનવું છે કે આવી હવામાન આગાહી કૃષિ, પાણી વ્યવસ્થાપન, ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો માટે ખૂબ જરૂરી હોય છે, જેનાથી સમય રહેતા તૈયારી કરી શકાય.
WMOના જળવાયુ આગાહીના પ્રમુખ વિલ્ફ્રાન મૌફૂમા ઓકિયાએ કહ્યું કે વર્ષની શરૂઆતમાં તટસ્થ પરિસ્થિતિઓ હતી, પરંતુ હવે બધા મોડેલો અલ નીનોની રચનાની પુષ્ટિ કરી રહ્યા છે અને આગામી મહિનાઓમાં તેના વધુ મજબૂત થવાની સંભાવના છે. એક રિપોર્ટ પ્રમાણે હિન્દુ કુશ હિમાલય ક્ષેત્રમાં આ વર્ષે બરફના પ્રમાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે હિમવર્ષાનું પ્રમાણ સામાન્ય કરતા 27.8% ઓછું રહ્યું છે, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછું છે. હિમાલયની પર્વતમાળાઓમાં બરફ ઓછો હોવાને કારણે અહીંથી નીકળતી નદીઓના જળસ્તર પર સીધી અસર પડી શકે છે.અને લગભગ 2 અબજ લોકોની જળ સુરક્ષા સામે ગંભીર ખતરો પેદા થઈ શકે છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
