<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

જાપાનમાં ૭.૧ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ભયાનક તબાહી: બીજા દિવસે પણ બચાવ કામગીરી યથાવત્: ૧૩ લોકોના મોત

અનેક ઇમારતો જમીનદોસ્ત અને રસ્તાઓ ફાટ્યા: સુનામીની ચેતવણી વચ્ચે રાહત-બચાવ ટીમો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

નવી દિલ્હી: કુદરતી હોનારતો સામે સતત લડતા જાપાનમાં ફરી એકવાર ૭.૧ ની ભયાનક તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે; ભૂકંપના તીવ્ર આંચકાઓથી અનેક વિસ્તારોમાં બહુમાળી ઇમારતો, રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું છે; તાજેતરના અહેવાલો મુજબ આ હોનારતમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે; ભૂકંપ બાદ દરિયાઈ વિસ્તારમાં નાના પાયે સુનામીના મોજા પણ ઉછળ્યા હતા; દુર્ઘટનાના બીજા દિવસે પણ સેના, આપત્તિ વ્યવસ્થાપન દળ અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમો દ્વારા સતત બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે; કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયા હોવાની શંકા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે; તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં થઈ છે. અહીં એયોન મોલની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ભૂકંપ બાદ બિલ્ડિંગમાં ગેસ ગળતર થતા ભયાનક વિસ્ફોટ થયો હતો. કાટમાળમાંથી ચાર લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવાયા છે, જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ ઉપરાંત યાત્સુશિરોમાં એક ઈન્ડસ્ટ્રીમાં વિશાળ ચીમની તૂટી પડતા અનેક કર્મચારીઓ દબાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ કહ્યું કે, અહીં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આખા કુમામોતો અને આસપાસના વિસ્તારમાં 2.6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ કહ્યું કે, અનેક રસ્તાઓ, પુલો અને બિલ્ડિંગોને નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અને આગ લાગવાના સમાચાર પણ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે, દેશના ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટને કોઈપણ નુકસાન થયું નથી. અનેક ઉદ્યોગો અને પરિવહન સેવાઓ પર પણ ભૂકંપની અસર પડી છે. ધરતી ધ્રૂજતા જ અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ કામકાજ તાત્કાલિક અટકાવી દીધું છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે સ્થિતિનો તાગ મેળવવાની સાથે રાહત કાર્યોમાં મદદ પહોંચાડવા માટે સેના તહેનાત કરી દીધી છે.

(6:24 PM IST)