તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
આફ્રિકાના નાઈઝરમાં આતંકવાદીઓનો ખુની ખેલ: હાઈ-સિક્યોરિટી ઝોન એરપોર્ટ લોહીથી ખરડાયું: નિયામી એરપોર્ટ પર અંધાધૂંધ ફાયરિંગમાં ૧૧ જાંબાઝ સૈનિકો અને ૨ નાગરિકો શહીદ
ભારે હથિયારો સાથે ત્રાટકેલા આત્મઘાતી આતંકીઓ સામે સેનાનો વળતો પ્રહાર: સમગ્ર એરપોર્ટ લશ્કરી છાવણીમાં ફેરવાયું: આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરાતા મુસાફરો ભયના ઓથાર હેઠળ ઘરમાં કેદ

નવી દિલ્હી: આફ્રિકાના અશાંત દેશ નાઈઝરની રાજધાની નિયામીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતકી આતંકવાદી હુમલો કરવામાં આવતા વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય ડિફેન્સ અને ઇન્ટેલિજન્સ વિગતો મુજબ, ભારે આધુનિક હથિયારો અને વિસ્ફોટકોથી સજ્જ આતંકવાદીઓનું એક તોતિંગ જૂથ નિયામી એરપોર્ટના સુરક્ષા કોર્ડનને તોડીને અંદર ઘૂસી ગયું હતું. આતંકીઓએ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને મુસાફરો પર કોઈ પણ જાતના ભેદભાવ વગર બેફામ એસોલ્ટ રાઇફલોથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એરપોર્ટના ટર્મિનલ પર જ સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે કલાકો સુધી ભયાનક સામસામે ફાયરિંગ ચાલ્યું હતું. આ અથડામણમાં દેશની રક્ષા કરતા ૧૧ મિલિટરી સૈનિકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, જ્યારે ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવી જતાં ૨ નિર્દોષ સિવિલિયન નાગરિકોના પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
અહેવાલો મુજબ, આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે આશરે 6 વાગ્યે થયો હતો. હુમલાખોરો એરપોર્ટની મુખ્ય સુરક્ષા ચોકી (ચેકપોસ્ટ) પાસે એક ટેક્સીમાં સવાર થઈને આવ્યા હતા. ટેક્સીમાંથી ઉતરતાની સાથે જ તેમણે ત્યાં તહેનાત સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સામસામે ભારે ગોળીબાર શરૂ થયો હતો, જે કલાકો સુધી ચાલ્યો હતો અને સમગ્ર વિસ્તાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો.
હુમલાની ગંભીરતાને જોતાં નાઇજરની સેનાએ એરપોર્ટ સંકુલમાં એક વિશાળ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. સૈન્યની કડક કાર્યવાહીને પગલે બપોર સુધીમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી અને એરપોર્ટને સુરક્ષિત જાહેર કરાયું હતું. હાલમાં એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક અને ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલોનુસાર આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એરપોર્ટની આસપાસથી આશરે 20 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી 2026માં થયેલા એક મોટા આતંકી હુમલાના બરાબર પાંચ મહિના પછી આ બીજી મોટી ઘટના સામે આવી છે. જાન્યુઆરી મહિનામાં પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ' (IS) સાથે જોડાયેલા એક જૂથે આ એરપોર્ટ સંકુલને નિશાન બનાવ્યું હતું.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
