<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

આ ભાઈએ ખાસ પેટ ખરાબ કરવા માટે બંગલાદેશ જઈને ગટર અને કચરાના ઢેર પાસે આવેલા ઢાબાનું ખાવાનું ખાધું

સીડની,તા.૪: ઑસ્‍ટ્રેલિયાના કન્‍ટેન્‍ટ ક્રીએટર ક્રેગ બ્રૂસે એક અનોખી ચેલેન્‍જ લીધી હતી. તેમણે સોશ્‍યલ મીડિયા પર સાંભળ્‍યું હતું કે બંગલાદેશમાં એક ઢાબા પાસે એટલી ગંદકી છે કે ત્‍યાં ખાઈને ભલભલા લોકો માંદા પડી જાય છે. આ ભાઈએ આ ઢાબાનું પારખું કરવાનું નક્કી કર્યું. એ માટે ખાસ તેઓ બંગલાદેશ ગયા અને ઢાબામાં પહોંચ્‍યા પછી શું થયું એનો વિડિયો બનાવ્‍યો હતો. ઢાબા પાસે કચરાના ઢેર લાગ્‍યા હતા. ગંદકી એટલી હતી કે પાસેની ગટર ઊભરાઈને બહાર રસ્‍તા સુધી આવી ગઈ હતી. નજીકમાં જ જાહેર શૌચાલય હોવાથી રેસ્‍ટોરાંમાં બેઠા પછી એની વાસ પણ માથું ફાટી જાય એટલી આવતી હતી. આ બધું જોઈને કોઈ પણ સમજદાર વ્‍યક્‍તિ ત્‍યાં ખાવાનું માંડી જ વાળે, પણ ક્રેગભાઈને તો સોશ્‍યલ મીડિયામાં ચેલેન્‍જ પૂરી કરવી હતી. તેણે આખા અનુભવને રોમાંચક યાત્રા અને ફૂડ-ચેલેન્‍જની જેમ લીધી હતી. તેણે આસપાસના લોકો સાથે અહીં મળતી વાનગીઓ અને એના સ્‍વાદ વિશે વાતો કરી અને પછી ત્‍યાંથી ભોજન ઑર્ડર કરીને ખાધું પણ ખરું. ઢાબા પાસે જે હદે ગંદકી હતી એ પછી પણ આ ચેલેન્‍જ પૂરી કરવા માટે કેટલાક લોકોએ આ ભાઈના કમિટમેન્‍ટની સરાહના કરી હતી જ્‍યારે અનેક લોકોએ આને ફેમસ થવાની ઘેલછા ગણીને પોતાના જ સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાં ન કરવાં જોઈએ એવી સલાહો આપી હતી. જોકે સવા મણનો સવાલ એ હતો કે આ ખાવાનું ખાધા પછી ક્રેગભાઈ માંદા પડ્‍યા કે નહીં? એનો જવાબ તેણે આપ્‍યો નહોતો.

 

 

 

 

(3:07 PM IST)