<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

પાકિસ્તાનના ભાગલાના દાવાનું સત્ય: બલૂચિસ્તાન અલગ દેશ બન્યાની વાતો માત્ર અફવા; સોશિયલ મીડિયા પર વાયરલ લેટરપેડ ફેક સાબિ !

વાયરલ પોસ્ટમાં 'ધ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન' ના નકલી દસ્તાવેજો બનાવી કરન્સી અને રાષ્ટ્રગીતનો કરાયો હતો દાવો; પાકિસ્તાન સરકારનો નકાર

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તાજેતરમાં એક સનસનાટીભર્યો પત્ર અને કેટલાક ફોટા વાયરલ થયા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બલૂચિસ્તાને પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી છે અને ત્યાં પાકિસ્તાનની હકુમતનો અંત આવ્યો છે. વાયરલ પોસ્ટ્સમાં 'ધ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન' ના નામે એક નકલી પરિપત્ર શેર કરાયો હતો, જેમાં દાવો હતો કે બલૂચિસ્તાની દળોએ 85% વિસ્તાર કબજે કરી લીધો છે અને પોતાની અલગ કરન્સી 'બલોચી ફાલુસ' (Balochi Falus) તથા રાષ્ટ્રગીત 'મા ચુકૈન બલોચાની' (Ma Chukain Balochani) લાગુ કરી દીધા છે.

વાયરલ થયેલા આ નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના ઘણા અધિકારીઓ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને બલૂચિસ્તાનની સ્વતંત્રતાની લડાઈમાં સામેલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં લાંબા સમયથી પાકિસ્તાન વિરુદ્ધ અલગતાવાદી આંદોલન જોર પકડી રહ્યું છે. સ્થાનિક લોકોએ અનેક વખત મોટા પાયે વિરોધ પ્રદર્શનો કરીને પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા છે.

જો કે, બલૂચિસ્તાનની સ્વતંત્રતાની આ જાહેરાતની હજુ સુધી કોઈ સત્તાવાર સ્ત્રોત કે વૈશ્વિક ન્યૂઝ એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ વિશ્વના કોઈ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠન કે, સરકારે તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી.

આ દરમિયાન બલૂચિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ સતત વણસી રહી છે. સ્થાનિક બલૂચ વિદ્રોહીઓ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓએ પાકિસ્તાની સુરક્ષા દળો પર પોતાના હુમલાઓ તેજ કરી દીધા છે. પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 1 અઠવાડિયામાં 105 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી 71 આતંકવાદીઓ 7 જુલાઈથી શરૂ થયેલા 'ઓપરેશન શાબાન' (Operation Shaban) દરમિયાન ઠાર મરાયા છે. ક્વેટા જિલ્લાના શાબાન વિસ્તારમાં પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર (FC) અને બલૂચિસ્તાન પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

(4:55 PM IST)