<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

યુક્રેન પર રશિયાનો કાળઝાળ પ્રહાર, મિસાઇલ-ડ્રોનથી ભયાનક હોનારત: રશિયન સેનાના રાક્ષસી હુમલામાં ૧૮ ના કરુણ મોત: ૧૩૧થી વધુ લોકો લોહીલુહાણ થતાં ચીસાચીસ

પુતિનની સેનાએ રહેણાંક વિસ્તારોને બનાવ્યા સ્મશાન: બહુમાળી ઇમારતો અને હોસ્પિટલો પર બોમ્બમારો: કાટમાળ નીચે સેંકડો લોકો દબાયા:વૈશ્વિક મંચ પર પ્રચંડ આક્રોશ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રણનીતિ અને યુદ્ધના મેદાનમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શર્મસાર કરતો લોહિયાળ અહેવાલ સામે આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, રશિયાએ યુક્રેનના પાટનગર કીવ સહિત અનેક મોટા શહેરોને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો ઝીંકી દીધો છે. રશિયન વાયુસેનાએ એકસાથે સેંકડો સુપરસોનિક મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન હુમલા કરીને યુક્રેનના સંરક્ષણ તંત્રના લીરેલીરા ઉડાડી દીધા છે. આ પ્રચંડ બોમ્બમારામાં અત્યાર સુધીમાં ૧૮ નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની ગયા છે અને ૧૩૧થી વધુ લોકો લોહી નિતરતી હાલતમાં હોસ્પિટલ ભેગા કરાયા છે!
રશિયાએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે મોટો હવાઇ હુમલો થવાનો હોઇ વિદેશી રાજદ્વારીઓ રવાના થઇ જાય. પણ કોઇએ આ ચેતવણીને કાને ધરી નહોતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુએસ અને યુરોપને વધારે સહાય કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે રશિયાનો આ હુમલો દર્શાવે છે કે જો યુક્રેનનું બેલિસ્ટિક મિસાઇલથી રક્ષણ કરવામાં નહીં આવે તો આવા હુમલા ચાલુ રહેશે. 
રશિયા તેના હુમલાઓ કરવાનું છોડશે નહીં તેવા સંકેતો આપતાં પુતિને મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેને ૨૨ મેના રોજ રશિયાના અંકુશ હેઠળના યુક્રેનિયન પ્રાંત લુહાન્સ્કમાં સ્ટારોબ્લિસ્કમાં એક કોલેજ ડોર્મિટરી પર ડ્રોન હુમલો કરી ૨૧ જણાંને મારી નાંખતાં યુદ્ધનું પરિમાણ બદલાઇ ગયું છે. યુક્રેને જણાવ્યું હતું કે સ્ટારોબ્લિસ્કમાં અમે રશિયન ડ્રોન પાઇલટ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો હતો.
યુક્રેનના હવાઇદળના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર ૭૩ મિસાઇલ્સ અને ૬૫૬ ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં મુખ્ય ટાર્ગેટ કીવ, ડેનીપ્રો અને પૂર્વીય પ્રાંતનાશહેરો પોલટાવા, ખારકિવ અને ઝાપોરીઝઝફિયાને બનાવવામાં આવ્યા હતા. યુક્રેનના એરફોર્સે ૪૦ મિસાઇલ્સને અને ૬૦૨ ડ્રોનને નકામાં બનાવી દીધાં હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે મંગળવારે કીવ,ઝાપોરીઝઝફિયા, ખારકિવ, ડેનીપ્રોપેટ્રોવસ્ક, પોલટાવા અને સુમી પ્રાંતના મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ એકમો  પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

 

(5:33 PM IST)