<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

માત્ર ૩૦ સેકન્‍ડમાં સૌથી વધુ વખત કિસનો અનોખો ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ

પ્રેમનો અનોખો રેકોર્ડ! બ્રાઝિલના રહેવાસી ૩૨ વર્ષીય રેનાટો વાયમા ગૈયા અને તેમની ૩૩ વર્ષીય પાર્ટનર નૈરા રોબર્ટા રિબેરોએ માત્ર ૩૦ સેકન્‍ડની અંદર ૧૯૫ વખત કિસ કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો

લંડન તા.૧૦: પ્રેમ વ્‍યક્‍ત કરવાની રીતો દરેક માટે અલગ-અલગ હોય છે, પરંતુ બ્રાઝિલના એક કપલે પોતાના સંબંધને એક અનોખી સિદ્ધિમાં બદલી નાખ્‍યો છે. બંનેએ એવો પરાક્રમ કર્યો કે, તેમનું નામ ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નોંધાઈ ગયું, અને આ અનોખા રેકોર્ડની ચર્ચા હવે સોશિયલ મીડિયાથી લઈને દુનિયાભરના લોકો વચ્‍ચે થઈ રહી છે. બ્રાઝિલના રહેવાસી ૩૨ વર્ષીય રેનાટો વાયમા ગૈયા અને તેમની ૩૩ વર્ષીય પાર્ટનર નૈરા રોબર્ટા રિબેરોએ માત્ર ૩૦ સેકન્‍ડની અંદર ૧૯૫ વખત કિસ કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આટલી ઝડપી ગતિએ કરાયેલા આ પ્રયાસે લોકોને હેરાન કરી દીધા છે. રેકોર્ડ દરમિયાન બંનેનો તાલમેલ અને સ્‍પીડ જોવા લાયક હતી, જેના કારણે તેઓ આ સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યા હતા.

રેકોર્ડ બન્‍યા પછી રેનાટોએ પોતાની ખુશી વ્‍યક્‍ત કરતા કહ્યું હતું કે, આ સિદ્ધિ તેમના સંબંધની મજબૂત સમજણ અને ઉત્તમ તાલમેલ દર્શાવે છે. તેમનું માનવું છે કે, આ જ કારણે તેઓ પોતાને દુનિયાના સૌથી શ્રેષ્ઠ કપલ્‍સમાંથી એક માને છે. સોશિયલ મીડિયા પર પણ તેમની આ સિદ્ધિને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો જુદી-જુદી પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, રેનાટોનો આ પહેલો વર્લ્‍ડ રેકોર્ડ નથી. આ પહેલા પણ તેઓ ઘણા અનોખા રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્‍યા છે. તેમણે ખૂબ જ ઓછા સમયમાં ૧૦ પુસ્‍તકોને વ્‍યવસ્‍થિત ગોઠવીને નીચે પાડવાનો રેકોર્ડ બનાવ્‍યો હતો. આ સિવાય તેમના નામે પગને અસાધારણ એન્‍ગલ સુધી વાળવાનો પણ વર્લ્‍ડ રેકોર્ડ નોંધાયેલો છે. આ જ કારણ છે કે, રેકોર્ડ બનાવવો હવે તેમના માટે એક જુસ્‍સાથી ઓછો માનવામાં આવી રહ્યો નથી.

આટલો મોટો રેકોર્ડ બનાવ્‍યા પછી પણ આ કપલની સફર અહીં પૂરી થઈ નથી. હવે બંનેની નજર આગામી મોટા લક્ષ્ય પર છે. તેઓ ૬૦ સેકન્‍ડમાં સૌથી વધુ વખત કિસ કરવાનો વર્લ્‍ડ રેકોર્ડ પોતાના નામે કરવા ઈચ્‍છે છે. હાલમાં આ સિદ્ધિ જાપાનના એક કપલના નામે નોંધાયેલી છે, જેમણે એક મિનિટમાં ૨૭૭ વખત કિસ કરીને રેકોર્ડ બનાવ્‍યો હતો. બ્રાઝિલના આ જોડાનું કહેવું છે કે, તેઓ આ ચેલેન્‍જ માટે તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્‍યમાં નવો રેકોર્ડ બનાવવાનો પૂરો પ્રયાસ કરશે. તેમની આ સિદ્ધિએ એ ચોક્કસ સાબિત કરી દીધું છે કે, દુનિયાભરમાં લોકો માત્ર રમતગમત કે વિજ્ઞાન જ નહીં, પરંતુ અનોખા અને રસપ્રદ રેકોર્ડ્‍સ દ્વારા પણ પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યા છે. હાલમાં આ કપલની કહાની ઈન્‍ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેને પ્રેમની અનોખી શૈલી કહી રહ્યા છે, તો કેટલાક તેને રેકોર્ડ બનાવવાની ધૂનનું ઉદાહરણ માની રહ્યા છે.

(2:57 PM IST)