<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

મહિલાએ ઘરની બારીમાંથી ૧.૫ કરોડની નોટો ઉડાવી

આકાશમાંથી પૈસા વરસ્‍યા!સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ

ગુઆંગડોંગ  તા.૧૭: પૈસા આકાશમાંથી નથી વરસતા! શું તમે પણ ક્‍યારેય આ વાક્‍ય સાંભળ્‍યું છે? તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું દેખાય છે કે હવામાંથી પૈસા વરસી રહ્યા હોય, પરંતુ હકીકતમાં આ કામ એક મહિલાનું હતું, જેણે પતિ સાથે ઝઘડો થયા બાદ ગુસ્‍સામાં ઘરમાંથી ૧.૫ કરોડ રૂપિયાની નોટો હવામાં ઉડાવી દીધી હતી. નજીકના લોકો આ દ્રશ્‍ય જોઈને ચોંકી ગયા હતા અને રસ્‍તામાં પડેલા રૂપિયા વીણવા માટે પડાપડી કરવા લાગ્‍યા હતા.

આ અત્‍યંત આヘર્યજનક કિસ્‍સો ચીનના ગુઆંગડોંગ પ્રાંતના શાંતૌ શહેરમાં બન્‍યો હતો. શહેરના એક હાઈ-રાઈઝ એપાર્ટમેન્‍ટની બારીમાંથી એક મહિલાએ અચાનક નોટો ફેંકવાનું શરૂ કર્યું હતું. આ જોઈને રસ્‍તા પર ચાલતા લોકો અને એપાર્ટમેન્‍ટના અન્‍ય રહેવાસીઓ એક ક્ષણ માટે તો સ્‍તબ્‍ધ થઈ ગયા હતા કે આ શું થઈ રહ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ મહિલાએ અંદાજે ૧,૬૨,૨૪૭ અમેરિકી ડોલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ (૧.૫ કરોડ રૂપિયા) હવામાં ઉડાવ્‍યા હતા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા વારંવાર નોટોના બંડલ બારીમાંથી નીચે ફેંકી રહી છે. જેવી આ નોટો નીચે રસ્‍તા પર પડી, લોકોમાં તે વીણવાની ભારે હોડ જામી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. સ્‍થાનિક વહીવટદારોએ લોકોને અપીલ કરી છે કે જેમને પણ નોટો મળી છે તેઓ તે માનવતાના ધોરણે પરત કરી દે અને સદનસીબે કેટલાક લોકોએ સ્‍વેચ્‍છાએ નોટો સોંપી પણ દીધી છે.

મહિલાએ આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું નથી. જોકે, પાડોશીઓના જણાવ્‍યા મુજબ, મહિલાનો તેના પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને જે પછી તેણે ગુસ્‍સામાં આવું કામ કર્યું હતું

(4:00 PM IST)