તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
દુનિયાનું પહેલું 'પોકેમોન એરપોર્ટ' સજ્જ! પિકાચુ અને ૧૧૧ ઉડતા પોકેમોન પ્રવાસીઓનું સ્વાગત કરશે, જાપાનના નોટો સાતોયામા એરપોર્ટનો અદ્ભુત કાયાકલ્પ
ભૂકંપના આંચકામાંથી બેઠા થવા ઇશિકાવા પ્રીફેક્ચરે રમ્યો માસ્ટરસ્ટ્રોક; હવામાં લટકશે વિશાળ પિકાચુ બલૂન, પોકેમોન થીમ આધારિત પેનકેક્સથી લઈને સ્પેશિયલ બસો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

ટોક્યો, તા.૧૮: જો તમે પણ પોકેમોન (Pokémon) કાર્ટૂન ગેમ અને તેના ક્યુટ કેરેક્ટર 'પિકાચુ' ના દીવાના છો, તો આ સમાચાર તમારા ચહેરા પર જોરદાર સ્માઇલ લાવી દેશે. જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરે પ્રવાસન જગતમાં એક નવો જાદુ કરવાનો અનોખો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૨૪ માં આવેલા વિનાશક 'નોટો પેનિનસુલા ભૂકંપ' ની અસરમાંથી આ પ્રદેશને ફરીથી બેઠો કરવા અને ટુરિઝમને જબરદસ્ત બૂસ્ટ આપવા માટે અહીંના લોકલ એરપોર્ટને સંપૂર્ણપણે પોકેમોન થીમમાં ફેરવી દેવામાં આવી રહ્યું છે. આગામી ૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ 'નોટો સાતોયામા એરપોર્ટ' ને સત્તાવાર રીતે "નોટો સાતોયામા પોકેમોન વિથ યુ એરપોર્ટ" તરીકે નવો અવતાર આપીને ખુલ્લું મૂકવામાં આવશે. આખા વિશ્વમાં પોકેમોન ફ્રેન્ચાઇઝીનું સત્તાવાર નામ ધરાવતું આ સૌથી પહેલું અને એકમાત્ર એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.
આ મેગા પ્રોજેક્ટ માટે ઇશિકાવા પ્રીફેક્ચરે ખાસ કરીને 'પોકેમોન વિથ યુ ફાઉન્ડેશન' સાથે હાથ મિલાવ્યા છે. આ આખું અનોખું બ્રાન્ડિંગ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૯ સુધી કાર્યરત રહેશે, જેથી વિશ્વભરના બાળકો અને પોકેમોન લવર્સ ખેંચાઈને ફરી અહીં આવે.
એરપોર્ટની અંદર પગ મૂકતા જ શરૂ થશે પોકેમોનની માયાવી દુનિયા
એરપોર્ટના ટર્મિનલમાં પ્રવેશતાની સાથે જ પ્રવાસીઓને એક અલગ જ દુનિયાનો અહેસાસ થશે. એરપોર્ટના નવો લોગો જ એટલો ક્યુટ બનાવવામાં આવ્યો છે જેમાં પોકે બોલ્સ, પિકાચુ અને નોટો દ્વીપકલ્પની સુંદર રેખાઓ કમ્બાઈન કરાઈ છે. એરપોર્ટના બે માળના વિશાળ એટ્રીયમની મધ્યમાં હવામાં લટકતો એક ભવ્ય અને મોટો 'પિકાચુ-એન્ડ-એરપ્લેન બલૂન' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
એટલું જ નહીં, મે ૨૦૨૬ સુધીની પોકેમોન ડાયરીમાં શોધાયેલા તમામ ૧૧૧ ફ્લાઇંગ-ટાઇપ (ઉડતા) પોકેમોન આખા ટર્મિનલની દિવાલો અને બોર્ડિંગ બ્રિજ પર કલરફુલ અંદાજમાં જોવા મળશે. ફર્સ્ટ ફ્લોરની અરાઇવલ લોબીમાં ભૂકંપ બાદ પ્રદેશના પુનર્નિર્માણના પ્રતીક તરીકે પિકાચુ, પ્લસલે અને મિનુનની ત્રિ-પરિમાણીય (3D) સ્મારક કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે.
જીભના ચટાકા: પોકેમોન પેનકેક અને એક્સક્લુઝિવ શોપિંગ
માત્ર સજાવટ જ નહીં, ખાણી-પીણીમાં પણ પોકેમોનનો તડકો લગાવવામાં આવ્યો છે. એરપોર્ટના ત્રીજા માળે આવેલી પ્રખ્યાત રેસ્ટોરન્ટ 'એનન' (Anan) માં ખાસ પોકેમોન-થીમ આધારિત સ્વાદિષ્ટ પેનકેક અને કલરફુલ ડ્રિંક્સ પીરસવામાં આવશે. જે ગ્રાહકો આ સ્પેશિયલ સેટ ઓર્ડર કરશે, તેમને ઓરિજિનલ પોકેમોન પ્લેસમેટ ગિફ્ટમાં મળશે.
આ સાથે જ, એરપોર્ટના 'સેરેન્ડિપિટી' સ્ટોર પરથી પ્રવાસીઓ લિમિટેડ એડિશનવાળા ઓરિજિનલ ટી-શર્ટ, કીચેન, લગેજ ટેગ અને શાનદાર સુટકેસ બેલ્ટ ખરીદી શકશે, જે બીજે ક્યાંય જોવા નહીં મળે.
સફર પણ કલરફુલ: દોડશે ખાસ 'પોકેમોન બસો'
પ્રવાસીઓને એરપોર્ટથી આગળ આખા નોટો પ્રદેશના સુંદર પર્યટન સ્થળો પર ફેરવવા માટે જુલાઈના મધ્યથી હોકુરિકુ રેલ્વે ગ્રુપ દ્વારા સ્પેશિયલ કલરફુલ 'પોકેમોન બસો' લોન્ચ કરવામાં આવશે. આ બસો કનાઝાવા સ્ટેશન, એરપોર્ટ અને વાજીમા સિટીને કનેક્ટ કરશે.
આ સફર દરમિયાન પ્રવાસીઓ વાકુરા ઓનસેન ખાતે 'વાકુરા પોકેમોન ફૂટબાથ' નો આનંદ માણી શકશે અને સુઝુ સિટીમાં 'સિલ્વિયન વિથ લવ' સ્મારકની મુલાકાત લઈ શકશે. આ બસો ખાસ કરીને વીકેન્ડ અને તહેવારોની રજાઓમાં ચલાવવામાં આવશે.
ઓબ્ઝર્વેશન ડેક બનશે 'પિકાચુનું ગામ'
એરપોર્ટના ઓબ્ઝર્વેશન ડેકને ખૂબ જ સુંદર રીતે જાપાનના ગ્રામીણ કલ્ચર 'સાતોયામા' ની થીમ પર ડિઝાઇન કરીને તેને "પિકાચુનું ગામ" નામ અપાયું છે, જ્યાં અસંખ્ય નાના-મોટા પિકાચુ રમતા દેખાશે. આ ઉપરાંત, પ્રવાસીઓ એરપોર્ટની અંદર પોતાના સ્માર્ટફોન દ્વારા ખાસ એનિમેટેડ શોર્ટ ફિલ્મો પણ ફ્રીમાં જોઈ શકશે, જેમાં લોકપ્રિય પોકેમોન કેરેક્ટર 'બેગોન' (Bagon) ની ઉડવાની ટ્રેનિંગની વાર્તા દર્શાવાઈ છે.
ભૂકંપ જેવી મોટી કુદરતી આફત બાદ આ પ્રદેશના વેપારીઓ અને લોકોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે પોકેમોન કંપનીની આપત્તિ રાહત સંસ્થા 'પોકેમોન વિથ યુ ફાઉન્ડેશન' અને જાપાન સરકારનો આ અનોખો પ્રયોગ ખરેખર વિશ્વભરના પ્રવાસીઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સાબિત થશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
