<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ઊંઘવાના મળશે પૈસા! એકાઉન્‍ટમાં ડાયરેક્‍ટ આવી જશે ૧૩,૨૯,૫૧૭ રૂપિયા

એક એવી ઓફર સામે આવી છે કે, જેમાં માણસને ફક્‍ત શાંતિથી ઊંઘવાનું હોય છે અને તેના બદલામાં તેને લાખો રૂપિયા મળે છે

ટોક્‍યો,તા.૧૯: અત્‍યાર સુધી તમે એવું જ સાંભળ્‍યું હશે કે જેટલી મહેનત કરશો, એટલા વધુ પૈસા કમાઈ શકશો. પરંતુ તમે ક્‍યારેક એવું સાંભળ્‍યું છે કે, આરામથી સૂઈને પણ ઇનામ જીતી શકાય છે. હા, આ કોઈ મઝાક નથી. ખરેખર જાપાનમાં આવું જ કંઈક જોવા મળ્‍યું છે. જાપાનના લોકો તેમની મહેનત અને વ્‍યસ્‍ત જીવનશૈલી માટે જાણીતા છે, પરંતુ હવે અહીં સારી ઊંઘ લેવી પણ એક સ્‍પર્ધાનો ભાગ બની ગઈ છે. દેશમાં લોકોમાં ઊંઘની અછત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ટોક્‍યોમાં એક અનોખી સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું. તેમાં ભાગ લેનારાઓએ શક્‍ય તેટલી ઝડપથી અને સારી ઊંઘ લેવાનો પડકાર સ્‍વીકારવાનો હતો.

આ સ્‍પર્ધા જીતનારને ૨૦ લાખ યેનથી વધુ એટલે કે લગભગ ૧૪ હજાર અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવ્‍યું હતું. ભારતીય રૂપિયામાં ગણીએ, તો આ રકમ ૧૩,૨૯,૫૧૭ થાય. આ સ્‍પર્ધાનું નામ ‘મેટ રેસ' રાખવામાં આવ્‍યું હતું. તેનું આયોજન એક ગાદલાં બનાવતી કંપનીએ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે સૂવાની આ સ્‍પર્ધામાં ડઝનબંધ લોકોએ ભાગ લીધો હતો. તમામ સ્‍પર્ધકોને આરામદાયક ગાદલાં અપાયા હતાં અને તેમની ઊંઘ પર નજર રાખવા માટે શરીર પર ખાસ ઉપકરણો લગાવવામાં આવ્‍યાં હતાં. એટલે કે સ્‍પર્ધામાં જીત મળે કે નહીં, ભાગ લેનારાઓને આરામથી સૂવાની તક તો મળી જ હતી.

સ્‍પર્ધામાં ભાગ લેનાર દરેક વ્‍યક્‍તિને વધુમાં વધુ ૯૦ મિનિટ સુધી સૂવાની તક આપવામાં આવી હતી. જોકે, શરત એ હતી કે તેમણે સતત ઊંઘ લેવાની હતી. ઓછી રોશનીવાળા રૂમમાં સ્‍પર્ધકો પથારી પર સૂતા જોવા મળ્‍યા હતા. કેટલાક લોકો પોતાની સાથે રમકડાં લઈને સૂતા હતા, જ્‍યારે અન્‍ય લોકોએ સારી ઊંઘ માટે આરામદાયક વાતાવરણનો સહારો લીધો હતો. સ્‍પર્ધામાં કોણ જીતશે તેનો નિર્ણય એ આધારે કરવામાં આવ્‍યો હતો કે કોણ કેટલી ઝડપથી ઊંઘી ગયું અને કોની ઊંઘ સૌથી સારી રહી. આ સ્‍પર્ધાનાં વિજેતા સુઇમીએ જણાવ્‍યું હતું કે તેઓ પોતાના અલગ ઘરમાં રહેવા માગે છે. તેથી તેઓ ઇનામની રકમનો ઉપયોગ ઘર બદલવાના ખર્ચ માટે કરશે.

આ સ્‍પર્ધાની યોજના બનાવનાર ક્રિએટિવ ડિરેક્‍ટર રિઇચિરો નાકામાના જણાવ્‍યા અનુસાર, જાપાનને ઘણીવાર એવા દેશ તરીકે જોવામાં આવે છે, જ્‍યાં લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. અહીંના લોકો પોતાના કામ પ્રત્‍યે ખૂબ જ સમર્પિત હોય છે, પરંતુ તેની અસર તેમની ઊંઘ પર પણ પડે છે. આયોજકોનું માનવું છે કે ઊંઘને સ્‍પર્ધાનું સ્‍વરૂપ આપવાથી લોકો તેમાં વધુ રસ લેશે અને પૂરતા આરામનું મહત્ત્વ સમજશે. બ્‍ચ્‍ઘ્‍ઝના વર્ષ ૨૦૨૧ના આંકડા અનુસાર, જાપાનમાં લોકો સરેરાશ દરરોજ ૭ કલાક અને ૨૪ મિનિટ ઊંઘતા હતા. લાંબા કામકાજના કલાકો, ઘરેથી કામના સ્‍થળે જવા-આવવામાં લાગતો સમય અને મોડી રાત સુધી ચાલતી પ્રવૃત્તિઓને ઊંઘની અછતનાં મુખ્‍ય કારણોમાં ગણવામાં આવે છે

(10:20 AM IST)