<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મહારાષ્‍ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૨ દી'માં ૧૦ના મોત

હાઈએલર્ટ જાહેરઃ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

મુંબઈ, તા.૮: અવિરત વરસતા મુશળધાર વરસાદ અને અચાનક આવેલી જળપ્રલય જેવી સ્‍થિતિએ મહારાષ્‍ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી દીધી છે, જ્‍યાં પૂર, ભૂસ્‍ખલન અને વીજળીના આંચકાથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે અને પ્રશાસન દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જેના કારણે છેલ્લા બે જ દિવસમાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં ૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના સતારા જિલ્લાના ફલટન તાલુકાના ખામગાંવમાં સામે આવી છે, જ્‍યાં ઘરની બહારથી પસાર થતી હાઈ-ટેન્‍શન વીજ લાઈનના સંપર્કમાં આવવાથી એક જ પરિવારના ચાર સભ્‍યોના કરૂણ મોત નીપજ્‍યા છે.

બીજી તરફ, થાણે, કોલ્‍હાપુર અને નાસિક જેવા વિસ્‍તારોમાં વરસાદે જળબંબાકારની સ્‍થિતિ સર્જી છે. થાણેના શાહપુર તાલુકામાં અચાનક ટેકરીનો મોટો ભાગ ધરાશાયી થતાં છથી સાત મકાનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જોકે સદનસીબે ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. આ સિવાય, કોલ્‍હાપુરમાં પંચગંગા અને કળષ્‍ણા નદીના રૌદ્ર રૂપને કારણે પ્રખ્‍યાત નળસિંહવાડીનું દત્ત મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નદીઓ ભયજનક સપાટી વટાવી રહી હોવાથી નીચાણવાળા વિસ્‍તારો અને શાહપુર-મુરબાડ રોડ પર વાહનવ્‍યવહાર સંપૂર્ણપણે ઠપ્‍પ થઈ ગયો છે.સ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને હવામાન વિભાગ અને સ્‍થાનિક પ્રશાસને સતર્કતા વધારી દીધી છે. નાસિકમાં સતત પાણી ભરાવાના કારણે મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ શાળાઓ અને કોલેજોમાં કટોકટીના ધોરણે રજા જાહેર કરી દેવામાં આવી છે. દરિયામાં ૩.૭૭ મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની ચેતવણી વચ્‍ચે એનડીઆરએફ અને આપત્તિ વ્‍યવસ્‍થાપનની ટીમોને સ્‍ટેન્‍ડબાય પર રાખવામાં આવી છે. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્‍થળે ખસી જવા અને અતિ આવશ્‍યક કામ વગર ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા કડક અપીલ કરવામાં આવી છે.

(3:48 PM IST)