<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ગોરખપુરમાં 9માં ધોરણની વિદ્યાર્થિની પર 10 નરાધમોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ: લગ્નના નામે પત્ની તો ક્યાંક બહેન બનાવી આચર્યું પાપ

હાઈ-ફાઈ લાઈફના સપના બતાવી માસૂમ પર 4 મહિના સુધી આચરવામાં આવી હેવાનિયત: પોલીસે હોટલ સંચાલક અને MBA સ્ટુડન્ટ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા

ગોરખપુર:ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં 14 વર્ષની માસૂમ વિદ્યાર્થિની સાથે જે પ્રકારની દરિંદગી આચરવામાં આવી છે, તેનાથી માનવતા શરમાઈ ગઈ છે. 9માં ધોરણમાં ભણતી આ વિદ્યાર્થિનીને હાઈ-ફાઈ લાઈફના સપના બતાવી અને લગ્નની લાલચ આપીને છેલ્લા ચાર મહિનામાં 10 જેટલા નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં આઘાતજનક ખુલાસો એ થયો છે કે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારાઓમાં ઓટો ડ્રાઈવરથી લઈને એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અને હોટલ સંચાલકોનો સમાવેશ થાય છે. ભોગ બનનાર કિશોરીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈએ તેને પત્ની બનાવીને તો કોઈએ બહેન બનાવીને રૂમમાં રાખી અને તેની પર સતત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.

આ કમકમાટીભરી ઘટનાની શરૂઆત 1 નવેમ્બરથી થઈ હતી, જ્યારે વિદ્યાર્થિની સ્કૂલે જવા નીકળી હતી અને ઓટો ડ્રાઈવર મનીષ ઉર્ફે મોનુ તેને લલચાવીને એક મકાનમાં લઈ ગયો હતો. ત્યાં મનીષ અને તેના મિત્રોએ દુષ્કર્મ આચર્યા બાદ તેને રસ્તા પર છોડી દીધી હતી. ત્યાંથી વિદ્યાર્થિનીને મદદ કરવાના બહાને માનવેન્દ્ર પાંડે નામનો એમબીએ સ્ટુડન્ટ પોતાના રૂમ પર લઈ ગયો અને તેને ‘નાની બહેન’ કહીને મકાનમાલિકને ઓળખાણ આપી હતી, પરંતુ રાત્રિના સમયે તેની સાથે હેવાનિયત આચરી હતી. આ સિલસિલો અહીં જ ન અટક્યો, ત્યારબાદ રોહિત સાહની અને તેની પત્ની નિશા ચૌહાણે પણ વિદ્યાર્થિનીને આશરો આપવાના બહાને તેને દેહવ્યાપાર અને દુષ્કર્મના નરકમાં ધકેલી દીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થિનીના પિતા ગુજરાતમાં મજૂરી કામ કરે છે અને તે તેની માસીના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. રીલ બનાવવાની શોખીન અને વૈભવી જીવન જીવવાની લાલસામાં તે નરાધમોની જાળમાં ફસાઈ ગઈ હતી. ચોરી-ચૌરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે, જેમાં હોટલ સંચાલક ધર્મરાજ યાદવ, કિશન સિંહ, સમીર ઉર્ફે દિલશાદ અને અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ હજુ પણ આ કેસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ કેટલાક ચોંકાવનારા નામ અને ધરપકડ સામે આવી શકે છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના યુગમાં ભટકતા યુવાધન અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ ઉભા કર્યા છે.

(12:36 PM IST)