તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
AI ના ઉપયોગથી દિલ્હી પોલીસના એસીપીનો ફેક વિડીયો બનાવી સનસનાટી મચાવનાર ૧૦ પાસ નદીમ અહેમદની ધરપકડ
મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધ પ્રદર્શન વચ્ચે સસ્પેન્સ ઉભું કરવા દિલ્હી પોલીસના એસીપી પર મહિલા પત્રકારની છેડતીનો બનાવટી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

નવી દિલ્હી : દિલ્હી સાયબર પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો દુરુપયોગ કરીને દિલ્હી પોલીસના સિનિયર અધિકારીની છબી ખરાબ કરવા અને કાયદો-વ્યવસ્થા ડહોળવાના આરોપસર ૨૪ વર્ષીય ફ્રીલાન્સ પત્રકાર નદીમ અહેમદની ધરપકડ કરી છે. મુખ્યાલય પર મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આ ગંભીર ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ એસીપી વિવેક ભગત મહિલા પત્રકારોની છેડતી કરી રહ્યા હોય તેવો ફેક વીડિયો AI ની મદદથી તૈયાર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યો હતો.
દિલ્હી પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ ધ્યાન પર આવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 'ન્યૂઝ આઈ' નામની ચેનલ પરથી વિરોધ સ્થળના મૂળ વીડિયો હોવાનો દાવો કરતી વિવાદિત રીલ્સ શેર કરવામાં આવી રહી હતી. આ સીસીટીવી ફૂટેજમાં ગણવેશધારી પોલીસ અધિકારી મહિલા વિરોધીઓ સાથે અસભ્ય વર્તન કરતા દેખાતા હતા. સાયબર પોલીસે તાત્કાલિક એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરતા ખુલાસો થયો હતો કે આ વિડીયો સંપૂર્ણપણે બનાવટી (AI Generated) હતો અને તે બનાવનાર આરોપી હરિયાણાનો રહેવાસી નદીમ અહેમદ છે.
પોલીસ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મૂળ હરિયાણાના પલવલનો રહેવાસી અને સાકેતની મદરેસામાં અભ્યાસ કરનાર ૨૪ વર્ષીય નદીમ ધોરણ ૧૦ માં નાપાસ થયા બાદ અભ્યાસ છોડી ચૂક્યો હતો. પરંતુ તેણે ટેકનોલોજી અને AI ટૂલ્સનો ઉપયોગ કરવાનું શિખી લીધું હતું. તેણે આ વર્ષે એપ્રિલ મહિનામાં જ એક યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૨૪ હજારથી વધુ ફોલોઅર્સ હતા. આરોપીએ ૨૦૨૦ માં દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદા (CAA) ના આંદોલન દરમિયાન વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી નદીમ અહેમદે કબૂલાત કરી હતી કે તેણે જ AI ટૂલ્સની મદદથી આ ફેક વિડીયો તૈયાર કર્યો હતો. તેનો મુખ્ય હેતુ પોલીસ વહીવટીતંત્રની છબી ખરાબ કરવાનો અને વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવપૂર્ણ વાતાવરણ ઊભું કરીને સોશિયલ મીડિયા પર વ્યુઝ અને સસ્પેન્સ મેળવવાનો હતો. દિલ્હી પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના જંતર-મંતર પર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘટી હતી. એસીપી વિવેક ભગત અને અન્ય અધિકારીઓ પર ત્રણ મહિલા પત્રકારો સાથે ગેરવર્તણૂકના આક્ષેપો પણ લાગ્યા હતા, જેની અલગથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે નદીમે બનાવેલો AI વિડીયો અને વાસ્તવિક ઘટના બે અલગ બાબતો છે અને પોલીસની ગણવેશધારી છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી જ આ બનાવટી ડીપફેક કન્ટેન્ટ વાયરલ કરવામાં આવ્યું હતું.
હાલમાં સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચ નદીમ અહેમદના તમામ ડિજિટલ ઉપકરણો અને ભૂતકાળના ડિજિટલ રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે શું આ ષડયંત્રમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા સામેલ હતી કે કેમ. આ કેસથી સોશિયલ મીડિયા પર AI દ્વારા ફેલાવવામાં આવતા ફ્રેબ્રિકેટેડ કન્ટેન્ટ અને ડીપફેક વિડીયો સામે કડક કાનૂની કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
