News of Saturday, 18th April 2026
10 યુદ્ધવિમાન, 5 યુદ્ધજહાજ, 3000 સૈનિકો: ભારત- રશિયા પરસ્પર કરશે તૈનાતી : ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને નવી ઊંચાઈ આપતો ઐતિહાસિક ‘RELOS પેક્ટ’ હવે સત્તાવાર રીતે અમલમાં
ઐતિહાસિક ‘RELOS પેક્ટ’ હવે સત્તાવાર જાહેર થતા ભારત-રશિયા વચ્ચે સૈન્ય સહયોગનો નવો અધ્યાય, એકબીજાના ઠેકાણા પર લશ્કરી સંપત્તિ તૈનાત કરશે; સંરક્ષણ ક્ષેત્રે મોટું પગલું

(નવી દિલ્હી, તા.૧૮: ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને નવી ઊંચાઈ આપતો ઐતિહાસિક ‘RELOS પેક્ટ’ હવે સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ કરાર હેઠળ ભારત અને રશિયા એકબીજાના દેશમાં પોતાના યુદ્ધવિમાન, યુદ્ધજહાજ અને સૈનિકોની પરસ્પર તૈનાતી કરશે.
કરારની વિગતો મુજબ ભારત અને રશિયા બંને દેશો 10 યુદ્ધવિમાન, 5 યુદ્ધજહાજ અને 3000 જેટલા સૈનિકો એકબીજાના વ્યૂહાત્મક ઠેકાણા પર તૈનાત કરશે. આ સમજૂતીનું પૂરું નામ ‘Reciprocal Exchange of Logistics Agreement’ છે, જેના કારણે બંને દેશોની સેનાઓને ઈંધણ, સ્પેરપાર્ટ્સ, મરામત અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ એકબીજાના બેઝ પરથી મળી શકશે.
આ પેક્ટથી હિંદ મહાસાગરથી લઈને આર્કટિક સુધી બંને દેશોની નૌસેના અને વાયુસેનાની પહોંચ અને ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો થશે. યુદ્ધની સ્થિતિમાં કે પછી કોઈ કટોકટીમાં બંને દેશો એકબીજાના ઠેકાણાનો ઉપયોગ કરી શકશે, જેનાથી પ્રતિક્રિયા આપવાનો સમય ઘટશે અને વ્યૂહાત્મક મજબૂતી વધશે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે આ કરાર ભારત-રશિયાની દાયકાઓ જૂની મિત્રતાને વધુ ગાઢ બનાવશે અને વૈશ્વિક સ્તરે બંને દેશોની સૈન્ય તાકાતનો સંદેશ આપશે. અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે પણ ભારતના આવા લોજિસ્ટિક કરાર છે, પરંતુ રશિયા સાથેનો આ કરાર સૈનિકો અને યુદ્ધજહાજોની સીધી તૈનાતીની જોગવાઈને કારણે વધુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ ઐતિહાસિક પગલાને બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગનું પ્રતીક ગણવામાં આવી રહ્યું છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
