તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
બંગાળના ભાંગરમાં TMC કાર્યકરના ઘરેથી 100 દેશી બોમ્બ મળતા ખળભળાટ
મતદાન પહેલા પોલીસની મોટી કાર્યવાહી: રફીકુલ ઇસ્લામ શંકાના ઘેરામાં: વિસ્ફોટકોના કેસમાં હવે NIA સંભાળશે તપાસનો દોર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે રાજ્યમાં ફરી એકવાર હિંસાનું ગ્રહણ લાગતું દેખાઈ રહ્યું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા એક વ્યક્તિના ઘરેથી આશરે 100 જેટલા જીવતા દેશી બોમ્બ જપ્ત કર્યા છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ભાંગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રફીકુલ ઇસ્લામ નામના વ્યક્તિના ઘરે વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. રફીકુલ કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર હોવાનું કહેવાય છે. રવિવારે પોલીસે તેના નિવાસસ્થાને દરોડો પાડતા 100 જેટલા દેશી બોમ્બ મળી આવ્યા હતા. ચૂંટણી પૂર્વે આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા ચૂંટણી પંચના અધિકારીઓએ પોલીસ વિભાગને કડક આદેશ આપ્યા છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પણ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવા વિસ્ફોટકો મળી આવશે અથવા મતદારોને ડરાવવા માટે હિંસાનો ઉપયોગ થશે, તો સંબંધિત પોલીસ અધિકારી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારો માં ડ્રોન અને સીસીટીવી દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવાની ફેક્ટરીઓ અને આવા ગુનાખોરોને પકડવા માટે ખાસ ઝુંબેશ (Special Drive) શરૂ કરવામાં આવી છે. હવે આવા તમામ કેસોની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવશે. નોંધનીય છે કે, બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે પૂર્ણ થયું છે અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે, જ્યારે પરિણામ 4 મે, 2026 ના રોજ જાહેર થશે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
