<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

નેપાળ સરહદે ₹100નો 'કસ્ટમ કકળાટ': ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીનો કાઠમંડુ પ્રવાસ, શું બદલાશે નિયમો?

બાલેન શાહ સરકારના કડક વલણ વચ્ચે ભારત-નેપાળ સંબંધોની કસોટી : સરહદી વિસ્તારોમાં ખરીદી પરના કરવેરા અને દ્વિપક્ષીય સુરક્ષા પ્રોજેક્ટ્સ અંગે વિદેશ સચિવ મિશ્રી અને નેપાળી નેતૃત્વ વચ્ચે થશે આરપારની ચર્ચા

નવી દિલ્હી:  નેપાળમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના વ્યાપારી સંબંધોમાં ખટરાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતમાંથી ₹100 થી વધુની ખરીદી પર નેપાળ સરકાર દ્વારા લાદવામાં આવેલી કસ્ટમ ડ્યુટીએ સરહદી ગામોના લોકોની ચિંતા વધારી દીધી છે. આ વિવાદ અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓના ઉકેલ માટે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી 11-12 મેના રોજ કાઠમંડુની મુલાકાત લેશે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે બાલેન શાહની સરકારને હજુ એક જ મહિનો થયો છે અને ભારત પડોશી દેશની નવી પ્રાથમિકતાઓને સમજવા માંગે છે.

દાયકાઓથી ભારત અને નેપાળ વચ્ચે 'રોટી-બેટી' નો સંબંધ રહ્યો છે, જ્યાં નેપાળી નાગરિકો સામાન્ય ઘરવખરી અને દવાઓ માટે ભારતીય બજારો પર નિર્ભર હતા. જોકે, નવા કસ્ટમ નિયમથી સ્થાનિક વેપાર પર માઠી અસર પડી છે. ભારતીય વિદેશ મંત્રાલય આ પગલાને દાણચોરી રોકવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સામાન્ય જનતામાં ઉભો થયેલ રોષ આગામી ચર્ચાનો મુખ્ય એજન્ડા બની શકે છે. વિક્રમ મિશ્રી આ પ્રવાસ દરમિયાન નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલ અને વડાપ્રધાન શાહ સાથે મુલાકાત કરી આર્થિક અવરોધો દૂર કરવા પ્રયત્ન કરશે.

આ મુલાકાત માત્ર વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ચીન અને અમેરિકાની વધતી સક્રિયતા વચ્ચે નેપાળમાં ભારતનો પ્રભાવ જાળવી રાખવાનો એક વ્યૂહાત્મક પ્રયાસ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરના માર્ગદર્શન હેઠળ મિશ્રી આ મુલાકાત દ્વારા ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સનો રોડમેપ તૈયાર કરશે. જો વાટાઘાટો સફળ રહેશે, તો સરહદ પરના કડક નિયમોમાં છૂટછાટ મળી શકે છે, જેનાથી હજારો વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મોટી રાહત થશે.

(7:36 PM IST)