તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ગાઝા યુદ્ધના ૧,૦૦૦ દિવસ: ભારતમાં પેલેસ્ટિનિયન રાજદૂતનો વિશ્વને સણસણતો સવાલ : 'આપણને જવાબો ક્યારે મળશે?'
૭ ઓક્ટોબરની ઘટનાઓ શૂન્યાવકાશમાં નથી બની તેમ કહી અબ્દુલ્લા અબુ શવેશે 'અલ-નકબા'થી લઈને અત્યાર સુધીના વિનાશનો ચિતાર આપ્યો : ૭૩,૦૦૦થી વધુ નિર્દોષોના મોત પર વૈશ્વિક બેવડા ધોરણો અને ઈઝરાયેલી શાસકોની નીતિઓ સામે ઉઠાવ્યા ચાર ગંભીર પ્રશ્નો

નવી દિલ્હી: ગાઝામાં ચાલી રહેલા ભીષણ અને રક્તરંજિત યુદ્ધને ૧,૦૦૦ દિવસ પૂર્ણ થવાના આઘાતજનક અવસરે ભારતમાં પેલેસ્ટિનિયન દૂતાવાસે વૈશ્વિક સમુદાયની વિવેકબુદ્ધિને ઢંઢોળતો એક અત્યંત સંવેદનશીલ અને સત્તાવાર લેખ જાહેર કર્યો છે. ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા એમ. અબુ શવેશે લખેલા આ લેખમાં ગાઝાના અભૂતપૂર્વ વિનાશ અને લાખો દફનાવવામાં આવેલા નિર્દોષ જીવો પર પેલેસ્ટાઇનનું સત્તાવાર વલણ રજૂ કરવામાં આવ્યું છે. રાજદૂતે ખૂબ જ સરળ પણ હૃદયદ્રાવક ચાર પ્રશ્નો – કેમ? શું? કોણ? અને ક્યાં? – દ્વારા આંતરરાષ્ટ્રીય રાજકારણના બેવડા ધોરણોને ખુલ્લા પાડ્યા છે. તેમણે પૂછ્યું છે કે હજારો વિખેરાયેલા પરિવારો, બેઘર થયેલા લાખો નાગરિકો અને અનાથ બાળકોના આંસુઓનો હિસાબ આપવા માટે વિશ્વ ક્યારે આગળ આવશે?
રાજદૂત અબુ શવેશે ભારપૂર્વક જણાવ્યું છે કે ગાઝાની વર્તમાન સ્થિતિને માત્ર ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાના ચશ્માથી જોવી એ અન્યાય છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલે પણ કહ્યું હતું તેમ આ ઘટના શૂન્યાવકાશમાં નથી બની. તેમણે ૧૯૧૭ના બાલ્ફોર ઘોષણાપત્ર અને ૧૯૪૮ની 'અલ-નકબા' (મહાઆપત્તિ) નો ઉલ્લેખ કરીને યાદ અપાવ્યું કે કેવી રીતે પેલેસ્ટિનિયનોને બંદૂકની અણીએ પોતાના જ વતનમાં શરણાર્થી બનાવી દેવાયા હતા. વધુમાં, તેમણે ૭ ઓક્ટોબરની ઘટનાઓની એક સ્વતંત્ર અને આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરતા કહ્યું કે, ત્યારબાદ ઇઝરાયેલ દ્વારા કરાયેલા હુમલામાં ૭૩,૦૦૦ થી વધુ નિર્દોષ નાગરિકો, ખાસ કરીને લાચાર માતાઓ અને માસૂમ બાળકો હોમાઈ ચૂક્યા છે, હોસ્પિટલો અને શાળાઓ કાટમાળ બની ગઈ છે અને દુનિયા તટસ્થ બનીને આ તમાશો જોઈ રહી છે.
આ મહાવિનાશ માટે જવાબદારી નક્કી કરતા પેલેસ્ટિનિયન રાજદૂતે સ્વીકાર્યું કે ૭ ઓક્ટોબરનો હુમલો પેલેસ્ટિનિયન લડવૈયાઓ દ્વારા કરાયો હતો, પરંતુ સાથે જ તેમણે વિશ્વની સૌથી અદ્યતન સુરક્ષા પ્રણાલી ધરાવતા ઇઝરાયેલની ગુપ્તચર નિષ્ફળતા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટિનિયનોને વિભાજિત રાખવા માટે જાણી જોઈને આવી પરિસ્થિતિનું નિર્માણ થવા દીધું હતું જેથી તેઓ ક્યારેય પોતાની સ્વતંત્રતા માંગી ન શકે. ભારત અને સમગ્ર વિશ્વને ઊંડી ભાવનાત્મક અપીલ કરતા રાજદૂતે મહાત્મા ગાંધીજીના શાંતિના માર્ગનો ઉલ્લેખ કર્યો અને ચેતવણી આપી કે ઇતિહાસ માત્ર અત્યાચાર કરનારાઓને જ નહીં, પરંતુ બધું જ જોયા છતાં મૌન રહેનારા લોકોને પણ ક્યારેય માફ નહીં કરે, કારણ કે આ પીડા ત્યાં સુધી સમાપ્ત નહીં થાય જ્યાં સુધી પેલેસ્ટાઇનના લોકોને તેમનું ગૌરવ અને સ્વતંત્રતા પાછા નહીં મળે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
