<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

૧૧૪ રાફેલ ફાઇટર જેટની ડીલ પર સંકટના વાદળો? વાયુસેનાની આ અલ્ટીમેટમ શરતે ફ્રાન્સની ઊંઘ ઉડાવી દીધી

૪.૧૨ લાખ કરોડના આ મેગા ડિફેન્સ પ્રોજેક્ટમાં વિદેશી કંપનીઓ પર નિર્ભરતા ખતમ કરવા માટે ભારતે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજોની માંગણી કરી, જે પૂર્ણ ન થતાં અબજો ડોલરનો આ આખો સોદો અટવાઈ જવાની આશંકા

પેરિસ :પડોશી દેશોની વધતી જતી આક્રમકતા અને વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણો વચ્ચે ભારત પોતાની સરહદોની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે સૈન્ય આધુનિકીકરણ પર સૌથી વધુ ભાર આપી રહ્યું છે. આ વ્યૂહરચનાના ભાગ રૂપે ભારતીય વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનું કુલ મૂલ્ય આશરે ૪,૧૨,૬૭૩ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. જોકે, આ પ્રસ્તાવિત કરારને અંતિમ સ્વરૂપ મળે તે પહેલાં જ એક મોટો તકનીકી અવરોધ સામે આવ્યો છે. વાયુસેનાએ ફ્રાન્સ સમક્ષ એક એવી મહત્વની શરત મૂકી છે જેના કારણે આ અબજો ડોલરની ડીલના ભવિષ્ય સામે પ્રશ્નાર્થચિહ્નો ઊભા થઈ ગયા છે.

વિશ્વના શક્તિશાળી દેશો જેમ કે અમેરિકા, રશિયા અને ચીન પોતાની અદ્યતન ટેકનોલોજીના બળે સંરક્ષણ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે, જ્યારે ભારત અત્યાર સુધી ફાઇટર જેટના સ્થાનિક ઉત્પાદનમાં પાછળ રહ્યું છે. આ ખામીને દૂર કરવા માટે દેશમાં નેક્સ્ટ જનરેશનના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશથી અતિ-આધુનિક વિમાનોની ખરીદી અનિવાર્ય બની છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાએ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) કાર્યક્રમ અંતર્ગત ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે, જે ફ્રાન્સ માટે ચિંતાનો વિષય બન્યું છે.

વાયુસેનાએ ફ્રેન્ચ ઉત્પાદકો પાસે ઇન્ટરફેસ કંટ્રોલ ડોક્યુમેન્ટ્સ (ICDs) ની સત્તાવાર ઍક્સેસ માંગી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ વિદેશી મદદ વિના રાફેલ જેટમાં બ્રહ્મોસ, એસ્ટ્રા અને રુદ્રમ જેવી સ્વદેશી મિસાઇલો તેમજ ભારતીય રડાર સિસ્ટમ સરળતાથી ફિટ કરી શકાય. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આ વિમાનોના અત્યંત ગુપ્ત એવા 'સોર્સ કોડ'ની માંગણી નથી કરી રહ્યું, જે કોઈપણ યુદ્ધવિમાનનું ડિજિટલ મગજ ગણાય છે અને જેને વિકસિત દેશો ક્યારેય કોઈની સાથે શેર નથી કરતા. ભારત માત્ર એવી ટેકનિકલ બ્લુપ્રિન્ટ ઇચ્છે છે જેનાથી તે લાંબા ગાળાની ઓપરેશનલ સ્વતંત્રતા અને જાળવણી પર પોતાનો સંપૂર્ણ અંકુશ રાખી શકે.

ઇન્ટરફેસ કંટ્રોલ ડોક્યુમેન્ટ એ હકીકતમાં એક એવો ડિજિટલ નકશો છે જે દર્શાવે છે કે વિમાનની વિવિધ ઇલેક્ટ્રોનિક અને સોફ્ટવેર સિસ્ટમ્સ અંદરોઅંદર કેવી રીતે સંવાદ સાધે છે. અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતે જ્યારે પણ વિદેશી ફાઇટર એરક્રાફ્ટમાં કોઈ નવું હથિયાર કે સેન્સર જોડવું પડતું, ત્યારે મૂળ ઉત્પાદક કંપની (OEM) પર નિર્ભર રહેવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાંનો ભારે બગાડ થતો હતો. આ દસ્તાવેજો મળવાથી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) તેમજ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) જેવી ભારતીય સંસ્થાઓ કોઈ પણ ત્રીજી પાર્ટીની દખલગીરી વગર રાફેલ ફાઇટર જેટને અપગ્રેડ કરી શકશે.

સંરક્ષણ નિષ્ણાતોના મતે વાયુસેનાની આ માંગણી બિન-વાટાઘાટોપાત્ર એટલે કે જેમાં કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી તેવી આકરી શરત છે. જો ફ્રાન્સ આ ટેકનિકલ દસ્તાવેજો આપવાનો ઇનકાર કરશે, તો અબજો રૂપિયાની આ ડીલ પાટા પરથી ઉતરી શકે છે અને રાફેલ જેટ ખરીદવાનો પ્રસ્તાવ લટકી જશે. આ દસ્તાવેજો મેળવવાથી ન માત્ર ભારતીય સંરક્ષણ ઉદ્યોગને અનેરો વેગ મળશે, પરંતુ આ વિમાનોના સમગ્ર સેવા જીવન દરમિયાન તેનો ઓપરેટિંગ ખર્ચ પણ અડધો થઈ જશે, જે દેશના લશ્કરી ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન સાબિત થઈ શકે છે.

(1:36 PM IST)