<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

૧૨ વર્ષમાં દેશમાં ૪૯.૬ કરોડ લોકો ગરીબી રેખાની બહાર

છેલ્‍લાં ૧૦ થી ૧૨ વર્ષમાં ભારતે ગરીબી નાબૂદીના મોરચે એક નવો રેકોર્ડ બનાવ્‍યોઃ વર્લ્‍ડ બેંકનો અહેવાલ અત્‍યંત ગરીબીમાં પણ મોટો ઘટાડોઃ દેશના અમીર અને ગરીબોની આવક વચ્‍ચે ૧૩ ગણો તફાવત

નવી દિલ્‍હી તા.૩૦: છેલ્‍લાં ૧૦થી ૧૨ વર્ષમાં ભારતે ગરીબી નાબૂદીના મોરચે એક નવો રેકોર્ડ બનાવ્‍યો છે. છેલ્‍લા એક દાયકામાં ભારતમાં ગરીબી ઘટવાનો દર દુનિયામાં સૌથી ઝડપી રહ્યો છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૨૩ દરમિયાન ૧૨ વર્ષમાં દેશમાં અંદાજે ૪૯.૬ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્‍યા છે.

વર્લ્‍ડ બેંકના ‘ઇન્‍ડિયા પોવર્ટી એન્‍ડ ઇક્‍વિટી બ્રીફ' અહેવાલ અનુસાર ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૧માં દેશની ૫૭.૭ ટકા વસ્‍તી ઓછી આવક ધરાવતા મધ્‍યમ આવકવાળા દેશો માટે નક્કી કરવામાં આવેલી ગરીબી રેખા નીચે જીવતી હતી. જ્‍યારે વર્ષ ૨૦૨૩માં આ આંકડો ઘટીને માત્ર ૧૬.૧ ટકા થઈ ગયો છે. અહેવાલ અનુસાર અત્‍યંત ગરીબી એટલે કે દરરોજ ૩ ડોલર (આશરે ૨૫૦ રૂપિયા)થી પણ ઓછી આવકમાં જીવન ગુજારતા લોકોની સંખ્‍યા વર્ષ ૨૦૧૧માં ૨૭.૧ ટકા હતી, જે વર્ષ ૨૦૨૩માં ઘટીને માત્ર ૨.૬ ટકા રહી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્‍લાં ૧૨ વર્ષમાં દેશમાં અત્‍યંત ઓછી આવક ધરાવતા લોકોની સંખ્‍યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.આવકની સાથે જીવનધોરણમાં પણ સુધારો ભારતમાં ગરીબીમાં ઘટાડો માત્ર આવકને આધારે જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્‍ય અને જીવનધોરણ જેવી સુવિધાઓને આધારે પણ જોવા મળ્‍યો છે.ઓક્‍સફર્ડના OPHI (Oxford Poverty and Human Development Initiative)ના બહુપરિમાણીય ગરીબી સૂચકાંક અનુસાર વર્ષ ૨૦૦૫-૦૬માં ભારતની ૫૩.૮ ટકા વસ્‍તી બહુપરિમાણીય ગરીબીનો સામનો કરી રહી હતી. વર્ષ ૨૦૧૯-૨૧ સુધીમાં આ પ્રમાણ ઘટીને ૧૬.૪ ટકા થયું હતું. બીજી તરફ, વર્લ્‍ડ બેંકના પોતાના બહુપરિમાણીય ગરીબી માપદંડ  અનુસાર, વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતમાં બહુપરીમાણીય ગરીબીનો દર ૧૫.૫ ટકા નોંધાયો હતો.

જોકે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગરીબીમાં ઘટાડો થયો હોવા છતાં આવકની અસમાનતા યથાવત્‌ છે. અમીર અને ગરીબોની આવક વચ્‍ચે હજુ પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.વર્લ્‍ડ બેંકના ઓક્‍ટોબર, ૨૦૨૬ના ‘ઇન્‍ડિયા પોવર્ટી એન્‍ડ ઇક્‍વિટી બ્રીફ' અહેવાલ અનુસાર દેશમાં સૌથી વધુ કમાણી કરતા ૧૦ ટકા કર્મચારીઓ સૌથી ઓછી કમાણી કરતા ૧૦ ટકા કર્મચારીઓની સરખામણીમાં સરેરાશ ૧૩ ગણી વધુ આવક મેળવે છે

(3:44 PM IST)