તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ભયંકર પૂર આવતા રમકડાંની માફક ૧૨૦૦ ગેસ સિલિન્ડર પાણીમાં તણાઈ ગયા
મહારાષ્ટ્રમાં કુદરતનો કહેર

રાયગઢ,તા.૯: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે રાયગઢમાંથી ખતરનાક તસવીર સામે આવી છે. અહીં ભારે વરસાદની વચ્ચે અચાનક આવેલા પૂરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના લગભગ ૧૨૦૦ ગેસ સિલિન્ડર રમકડાંની માફક પાણીમાં તણાઈ ગયા. સારી વાત એ રહી કે આ તમામ સિલિન્ડર ખાલી હતા. નહીંતર મોટી દુર્ઘટના થઈ શકતી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં લાલ રંગના સિલિન્ડર પાણીમાં તરતા દેખાઈ રહ્યા છે.
આ ઘટના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણે વિસ્તારની છે. અહીં સતત મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી નીકળતા નાળાનું પાણી અચાનક ખતરનાક રૂપ ધારણ કરી લીધું. પાણીનો વહેણ એટલો ભારે હતો કે તે સીધા ચાવણે વિસ્તારમાં HPCLના ગેસ રિફિલિગ પ્લાન્ટમાં ઘુસી ગયું.
પ્લાન્ટની અંદર ગેસ રિફિલિગ માટે આવેલા ૧૨૦૦ જેટલા ખાલી સિલિન્ડર રાખ્યા હતા. પૂરનું પાણી એટલી સ્પીડમાં અંદર ઘુસી ગયું કે કર્મચારીઓને કંઈ વિચારવાનો અને સ્થિતિને સંભાળવાનો મોકો પણ મળ્યો નહીં. જોતજોતામાં પાણીનો વહેણ એટલો ભારે થઈ ગયો કે ભારે ભરખમ સિલિન્ડર કાગળની હોડીની માફક તણાવા લાગ્યા. કર્મચારીઓએ બાટલાને રોકવાની કોશિશ કરી, પણ કુદરતના આ કહેર આગળ માનવી લાચાર સાબિત થયો.
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે જે ૧૨૦૦ સિલિન્ડર પાણીમાં તણાઈ ગયા, તે એકદમ ખાલી હતા. તેને પ્લાન્ટમાં ગેસ ભરવા માટે લાવ્યા હતા. જરા વિચારો કે જો આ સિલિન્ડર ગેસથી ભરેલા હોત તો પાણીના વહેણમાં એકબીજા સાથે ટકરાવાથી ગેસ રિસાવ, અથવા આગથી મોટો વિસ્ફોટ કેટલો મોટો ખતરો ઊભો થાત. ખાલી હોવાના કારણે બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ.
ભારે વહેણ સાથે તણાઈ ગયેલા આ ૧૨૦૦ બાટલા સીધા આગળ જતાં પાતાલગંગા નદીમાં જઈને પડ્યા. નદીમાં પાણીનો વહેણ એટલો ભારે અને ખતરનાક હતો કે કોઈ પણ કર્મચારી અથવા સ્થાનિક લોકો નદીમાં ઉતરવા અથવા સિલિન્ડર પકડવાની હિમ્મત કરી શક્યા નહીં. પ્રશાસન અને કંપનીએ સમજદારી બતાવી જીવની સુરક્ષાને પ્રાથમિકતા આપી.
હાલમાં HPCL અને સ્થાનિક પ્રશાસન આ મામલાની તપાસ કરી રહી છે. કંપની નુકસાનનું આકલન કરી રહી છે અને વહી ગયેલા સિલિન્ડરને શોધવાની તજવીજ હાથ ધરી રહી છે. સાથે જ આ વાત પર મંથન થઈ રહ્યું છે કે ભવિષ્યમાં પ્લાન્ટને આવી અચાનક આવેલી સ્થિતિ માટે કેવી રીતે સુરક્ષિત કરી શકાય.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
