તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
કેરળની અકસ્માતનો ભોગ બનેલી ૧૫ મહિનાની નાનકડી હાથણી 'માયા'ને વધુ સારવાર માટે જામનગર લાવવામાં આવશે: વિશ્વકક્ષાની સુવિધા ધરાવતા 'વંતારા'માં થશે નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ અત્યાધુનિક ઉપચાર
જન્મના દિવસે જ ટોળા દ્વારા ત્યજી દેવાયેલી માયા જુલાઈમાં નડેલા અકસ્માતથી પોતાના પગ પર ઊભી રહી શકતી નથી, ગુજરાતના આંગણે હાથણીના પુનર્જીવનની નવી આશા બંધાઈ

જામનગર : પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે કેરળથી એક અત્યંત સંવેદનશીલ અને રાહત આપતી ખબર સામે આવી છે, જ્યાં જન્મના પ્રથમ જ દિવસે તેના ઝુંડે તરછોડી દીધેલી માત્ર ૧૫ મહિનાની નાનકડી હાથણી 'માયા'ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ વધુ સારી અને આધુનિક સારવાર માટે કેરળથી એરલિફ્ટ કરીને ગુજરાતના જામનગર સ્થિત અદ્યતન 'વંતારા' ખાતે ખસેડવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેરળના કપ્રીક્કડ સ્થિત અભયારણ્યમ કેમ્પમાં ઉછરી રહેલી માયા ગત જુલાઈ મહિનામાં એક દુર્ઘટનાનો ભોગ બની હતી, જેના કારણે તે પોતાના પગ પર ઊભી રહેવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી અને લાંબા સમયથી તેની વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી હતી, પરંતુ તેની તબિયતમાં વધુ સારો સુધારો લાવવા માટે મેડિકલ બોર્ડની ખાસ સલાહના આધારે કેરળ વન વિભાગ અને વંતારાના સંયુક્ત પ્રયાસોથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન્યજીવ નિષ્ણાતોના મતે, હાથીનું નાનું બચ્ચું લાંબા સમય સુધી પોતાના પગ પર ઊભું ન રહી શકે ત્યારે તેના શરીર પર સતત ભારે દબાણ રહેવાને કારણે સ્નાયુઓ અને ચામડીની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાનું જોખમ રહેતું હોય છે, જેથી માયાને તાત્કાલિક ધોરણે અત્યાધુનિક તબીબી સેવાની આવશ્યકતા હતી.
જામનગરના વંતારા ખાતે ઉપલબ્ધ વિશ્વકક્ષાની મેડિકલ સુવિધાઓ અને નિષ્ણાત પશુ તબીબોની દેખરેખ હેઠળ હવે માયાની યોગ્ય સારવાર કરવામાં આવશે, જેનાથી આ નાનકડી માયા ફરીથી પોતાના પગ પર ઊભી થઈને એક સ્વસ્થ અને આનંદદાયક જીવન જીવી શકશે તેવી પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અનોખા સ્થાનાંતરણ અને સેવાયજ્ઞથી સમગ્ર દેશના એનિમલ લવર્સમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે, અને સૌ કોઈ નાનકડી માયાના ઝડપથી સાજા થવાની કામના કરી રહ્યા છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
