News of Monday, 29th June 2026
પિતાનો મૃતદેહ જોતા જ ૧૫ વર્ષનો દીકરો ઢળી પડયો
હૃદય કંપાવતી ઘટના! ક્યારેક નસીબ એવું દુઃખ આપે છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ બની જાય છે

બસ્તી,તા.૨૯: ક્યારેક નસીબ એવું દુઃખ આપે છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ બની જાય છે. બસ્તીમાં આવો જ એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. બસ્તીના મુંડેરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે એક પરિવાર પર દુઃખનો એવો પહાડ તૂટી પડ્યો કે દરેકની આંખો ભીની થઈ ગઈ. અહીં પહેલા પિતાનું મોત થયું અને થોડા જ સમય બાદ પિતાનો મૃતદેહ જોઈને આઘાતમાં આવેલા ૧૫ વર્ષના દીકરાએ પણ દમ તોડી દીધો હતો. એક જ ઘરમાંથી એકસાથે બે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ, ૫૦ વર્ષીય જ્યોતિ પ્રકાશ પોતાના નવા મકાનના પાયાનું કામ કરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. શરીરમાં નબળાઈ અનુભવાઈ અને ભારે પરસેવો થવા લાગ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો જ્યારે જ્યોતિ પ્રકાશનો મૃતદેહ લઈને ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર તેમનો ૧૫ વર્ષનો દીકરો રાજ પિતાનો મૃતદેહ જોતા જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. ગભરાયેલા પરિવારજનોએ તેને પણ તરત જ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ સારવાર દરમિયાન બપોરે લગભગ ૧૨ વાગ્યે રાજનું પણ મોત થઈ ગયું ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતી મુજબ કિશોરનું મોત આઘાતના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા જ કલાકોમાં પિતા અને પુત્રના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગામના સરપંચ રજવંત યાદવે જણાવ્યું કે, સ્વર્ગસ્થ જ્યોતિ પ્રકાશનો પરિવાર આર્થિક રીતે અત્યંત નબળો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનું નામ યાદીમાં પ્રથમ ક્રમે હતું અને જે મકાન માટે તેમને આવાસ મંજૂર થયો હતો, તેના પાયાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ તેમની તબિયત બગડી અને તેમનું મોત થયું હતું. એકસાથે નીકળી પિતા-પુત્રની અંતિમયાત્રા જે ઘર માટે સ્વપ્ન જોયા હતા, એ જ ઘરમાંથી પિતા અને પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે..
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
