તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
૧,૫૦૦ કરોડની વિદેશી સોપારી દાણચોરી પ્રકરણ: ED દ્વારા 'અભિષેક ટેક્સ' કેસમાં પકડ મજબૂત : અનેક GST અને CGST અધિકારીઓ પણ તપાસના ઘેરામાં
મ્યાનમારથી દેશના વિવિધ રાજ્યોમાં ચાલતા નકલી ઇન્વોઇસ અને મની લોન્ડરિંગના રેકેટનો પર્દાફાશ: ગુવાહાટી ED દ્વારા મોટા દરોડા અને સઘન તપાસ

કોલકાતા : વિદેશી સોપારીની ગેરકાયદેસર દાણચોરી અને કાળા નાણાંના વિશાળ નેટવર્ક મામલે ઇડી ની તપાસ હવે અત્યંત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળના કુખ્યાત 'અભિષેક ટેક્સ' અને રૂ. ૧,૫૦૦ કરોડના સોપારી દાણચોરી સિન્ડિકેટ કેસમાં ED એ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. આ પ્રકરણમાં હવે અનેક જીએસટી અને સીજીએસટી અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા પણ તપાસ હેઠળ આવી છે.
ED ની ગુવાહાટી ઝોનલ ઓફિસની ટીમ આ સમગ્ર મની લોન્ડરિંગ અને ખંડણીના રેકેટની તપાસ કરી રહી છે. તાજેતરમાં જ ED દ્વારા ધીરજ ઘોષ, બિનોય બર્મન, સંદીપ બૈદ, ઉદ્યોગપતિ નવરતન બૈદ સહિતના આરોપીઓ સાથે સંકળાયેલા અંદાજે ૧૬ જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન હાથ લાગેલા મહત્વપૂર્ણ પુરાવાઓ અને દસ્તાવેજોના આધારે એજન્સીએ તપાસનો વ્યાપ વધાર્યો છે.
તપાસમાં ખુલાસો થયો છે કે આ સિન્ડિકેટ મ્યાનમારથી સોપારીના માલ મિઝોરમ પહોંચાડતું હતું, જ્યાંથી તેને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ નેટવર્કના તાર ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મ્યાનમાર સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. દાણચોરીના આ માલને કાયદેસરનો વેપાર દર્શાવવા માટે નકલી ઇન્વોઇસ, બનાવટી ઇ-વે બિલ અને ટ્રાન્ઝિટ દસ્તાવેજોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો. ED અત્યાર સુધીમાં આ મામલે ૧૧ થી વધુ કેસ નોંધી ચૂકી છે.
આ દાણચોરીના નેટવર્કમાં અગાઉ કસ્ટમ વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી બહાર આવ્યા બાદ હવે ED એ પોતાની તપાસમાં GST અને CGST અધિકારીઓનો પણ સમાવેશ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ચર્ચાસ્પદ બનેલા 'અભિષેક ટેક્સ' અંગે પણ ગંભીર આક્ષેપો થયા છે. એવો આરોપ છે કે કેટલાક રાજકીય વગદારો સાથે સંકળાયેલા શખ્સો દ્વારા દાણચોરો પાસેથી ખંડણીના સ્વરૂપમાં કરોડો રૂપિયા ઉસેડવામાં આવ્યા હતા અને આ નાણાંની હફાફફી તેમજ મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ દરમિયાન પણ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને ભાજપના વરિષ્ઠ નેતા સુકાંત મજુમદારે આ મુદ્દે તીખા સવાલો ઉઠાવ્યા હતા. હાલ ED ની ટીમ એ બાબતની સઘન તપાસ કરી રહી છે કે સોપારીની દાણચોરી અને વસૂલવામાં આવેલી ખંડણી વચ્ચે શું નાણાકીય સંબંધ હતો, આ કાળું નાણાં કોના સુધી પહોંચ્યું અને આ સમગ્ર સિન્ડિકેટમાં સરકારી અધિકારીઓની ચોક્કસ ભૂમિકા શું હતી.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
