<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ન્યૂ યોર્કના ઐતિહાસિક સેન્ટ્રલ પાર્કમાં ૧૮ વર્ષીય ભારતીય પ્રવાસીના દર્દનાક મોત બાદ ૧૫૦ વર્ષ જૂની ઘોડાગાડીની સવારી પર પ્રતિબંધ મૂકાશે.

ન્યૂ યોર્ક સિટી કાઉન્સિલે વિવાદિત ઘોડાગાડીઓ પર ૧ જૂન, ૨૦૨૮થી સંપૂર્ણ રોક લગાવવાનો ઐતિહાસિક કાયદો પસાર કરીને પરંપરાનો અંત આણ્યો.

ન્યૂ યોર્ક, તા.૨૩: વિશ્વપ્રસિદ્ધ ન્યૂ યોર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં ૧૫૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી આવતી વિન્ટેજ ઘોડાગાડીની પરંપરાનો આખરે અંત લાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરૂવારે ન્યૂ યોર્ક સિટી કાઉન્સિલ દ્વારા યોજાયેલા મતદાનમાં મેયરના સમર્થન સાથે ૧ જૂન, ૨૦૨૮થી સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીઓ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદતા વિધેયકને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે જૂન મહિનામાં પરિવાર સાથે ન્યૂ યોર્ક ફરવા આવેલા ૧૮ વર્ષીય ભારતીય પ્રવાસી રોમાંચ મહાજનનું ઘોડાગાડીના અકસ્માતમાં કરૂણ મોત થયા બાદ પ્રાણી કલ્યાણ અને જાહેર સુરક્ષા માટેની માંગણીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ નવો કાયદો સ્વ. રોમાંચ મહાજનની યાદમાં 'રોમાંચ લો' (Romanch’s Law) તરીકે ઓળખાય છે. ઘટનાની વિગતો મુજબ, ૧૭ જૂનના રોજ ૧૮ વર્ષીય રોમાંચ મહાજન તેમના પરિવાર સાથે સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારી કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઈવર ફોટોગ્રાફ પાડવા થોડે દૂર જતાં ઘોડો અચાનક બેકાબૂ થઈને ભાગ્યો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા રોમાંચનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ સેન્ટ્રલ પાર્કમાં સહેલાણીઓ, રાહદારીઓ અને પ્રાણીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.

પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી સેન્ટ્રલ પાર્કની ઘોડાગાડીઓ બંધ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા હતા. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓ, ઘોડાઓ પ્રત્યે થતી ક્રૂરતા અને અવારનવાર થતા અકસ્માતોને ટાંકીને આ નિર્ણય લેવાયો છે. જોકે, આ પ્રતિબંધ લાગુ થવા સુધી એટલે કે ૧ જૂન, ૨૦૨૮ સુધી પ્રવાસીઓ વર્તમાન નિયમો અને ૨૦ મિનિટના આશરે ૭૨ ડોલરના ભાડા હેઠળ સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારીનો આખરી અનુભવ માણી શકશે. ત્યારબાદ પ્રવાસીઓ માટે પાર્કની મુલાકાત માત્ર સાયકલ અથવા પગપાળા ચાલવા પૂરતી મર્યાદિત રહેશે.

સિટી કાઉન્સિલના આ નિર્ણય સામે ઘોડાગાડી ચલાવતા આશરે ૨૦૦ જેટલા ડ્રાઈવરો અને તેમના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. તેઓએ પોતાની આજીવિકા છીનવાઈ જવાની ચિંતા વ્યક્ત કરી છે. ડ્રાઈવરોનો દાવો છે કે તેઓ ઘોડાઓની પૂરતી સંભાળ રાખે છે અને આ વ્યવસાય સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણ છે. બીજી તરફ, પ્રાણી પ્રેમીઓએ કાઉન્સિલના આ પગલાંને પ્રાણીઓની સુરક્ષા અને તેમના પર થતા અત્યાચાર અટકાવવાની દિશામાં એક મોટું ક્રાંતિકારી કદમ ગણાવ્યું છે.

નવા પસાર થયેલા કાયદામાં ઘોડાગાડી ચાલકો અને ઘોડાઓ બંનેના ભવિષ્ય અંગે ચોક્કસ માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. વિસ્થાપિત થનારા ૨૦૦ જેટલા કામદારોને અન્ય રોજગારની તકો પૂરી પાડવા અને તાલીમ આપવા માટે નગરનિગમ ખાસ યોજનાઓ તૈયાર કરશે. આ ઉપરાંત, સેન્ટ્રલ પાર્કના ઘોડાઓને કતલખાને વેચાતા અટકાવવા અથવા અન્ય કોઈ જોખમી કામમાં ન ધકેલાય તે માટે ખાસ સંરક્ષણાત્મક જોગવાઈઓ કાયદામાં દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારી અનેક દાયકાઓથી ન્યૂ યોર્કની ઓળખ અને પ્રવાસીઓ માટેનું વિશેષ આકર્ષણ રહી છે. પરંતુ એક ભારતીય યુવકના દર્દનાક અવસાન બાદ ઊભી થયેલી કાનૂની અને નૈતિક ચર્ચાઓએ શહેરના ઈતિહાસમાં વળાંક આણ્યો છે. હવે તબક્કાવાર રીતે ૨૦૨૮ સુધીમાં તમામ ઘોડાગાડીઓ દૂર કરી પાર્કને સંપૂર્ણપણે નવો અને સુરક્ષિત આધુનિક લુક આપવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(4:28 PM IST)