<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ભાજપના ૧૮૨ સેવાદૂત તમામ ધારાસભા ક્ષેત્રમાં ૨૫ દિ' ધામા નાખશે

ગુજરાતવ્‍યાપી જનસંપર્કનું જબ્‍બર આયોજનઃ ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને ‘પોલીટીકલ ઓડીટ' તા.૧ ડીસેમ્‍બરથી સિનિયર અગ્રણીઓ નીકળી પડશેઃ નરેન્‍દ્રભાઇના ૨૫ વર્ષના શાસનની સિધ્‍ધીઓ વર્ણવશેઃ કાર્યકરો અને યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ

રાજકોટ તા.૨૬: ગુજરાતમાં ભૂતકાળમાં ભાજપ દ્વારા પાર્ટીનો વ્‍યાપ વધારવા અને સંગઠનને વધુ મજબૂત કરવા માટે વિસ્‍તારક યોજના મૂકવામાં આવેલ. આ વખતે સ્‍વરૂપમાં ફેરફાર સાથે ‘‘સેવાદૂત'' યોજના તૈયાર કરવામાં આવી છે. તે મુજબ ભાજપના ૧૮૨ સિનિયર અગ્રણીઓ એક-એક વિધાનસભા મત વિસ્‍તારમાં સળંગ ૨૫ દિવસ મુકામ કરી સેવાદૂત તરીકે કામગીરી કરશે. શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના રાજયના મુખ્‍યમંત્રી તરીકેના અને વડાપ્રધાન તરીકેના સંયુકત રપ વર્ષના શાસનની સિધ્‍ધિઓ લોકો સુધી પહોંચાડવા ૧૮૨ સેવાદૂતો કામગીરી કરશે.

ભાજપ દ્વારા નરેન્‍દ્રભાઇના ૨૫ વર્ષના શાસનને બિરદાવવા સેવા-સંકલ્‍પ નામથી કાર્યક્રમો યોજાયા બાદ હવે વિધાનસભા મતક્ષેત્ર દિઠ એક-એક સિનિયર અગ્રણીઓને સતત ૨૫ દિવસ માટે જવાબદારી સોંપી જનસંપર્કનો જબ્‍બર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો છે. જેનો પ્રારંભ તા.૧ ડિસેમ્‍બરથી થશે. સતત રપ દિવસ સુધી સેવાદૂત પોતાને સોંપાયેલ વિસ્‍તારમાં રહેશે.

સેવાદૂત કેન્‍દ્ર અને રાજય સરકારની ગરીબો, મહિલાઓ, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ઉદ્યોગકારો વગેરે માટેની યોજનાઓથી લોકોને માહિતગાર કરશે. આયુષ્‍યમાન કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. નરેન્‍દ્રભાઇના રાજમાં ભારતનું ગોૈરવ વિશ્વમાં વધ્‍યાની વાત મૂકશે.

સેવાદૂત તરીકે વિધાનસભા મતક્ષેત્રમાં રહેલા ભાજપના અગ્રણીઓ કાર્યકરોને પણ મળશે. સંગઠનની સ્‍થિતિ તેમજ સ્‍થાનિક રાજકીય માહોલની સમીક્ષા કરશે. સામાન્‍ય રીતે જે તે વિધાનસભા મત વિસ્‍તારમાં બહારના જિલ્લાના આગેવાનને જવાબદારી સોંપવામાં આવશે. ભોૈગોલિક પરિસ્‍થિતિ, જે તે વિસ્‍તારના જ્ઞાતિગત સમીકરણો વગેરે બાબતો ધ્‍યાને રાખીને કોને કયા વિસ્‍તારમાં સેવાદૂત તરીકે મોકલવા તેનો નિર્ણય થશે. વર્ષ ૨૦૨૭માં ધારાસભાની ચૂંટણી આવી રહી છે તેથી સેવાદૂતો (વિસ્‍તારકો)ના માધ્‍યમથી બધા મતક્ષેત્રની રાજકીય સમીક્ષા પણ થઇ જશે. સેવાદૂતો કામગીરી પૂર્ણ કર્યા બાદ પ્રદેશ નેતાગીરીને અહેવાલ આપશે

(12:06 PM IST)