તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
જેતપરમાં ૧૯ દિવસથી ચાલતું ખેડૂત આંદોલન આખરે પૂર્ણ : આવતીકાલે, સોમવારે રાત્રે યોજાશે પારણા કાર્યક્રમ : રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી ‘પાર્ટ-૩’ ની ઘડાશે વ્યૂહરચના
મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડ્યા બાદ ખેડૂત સમિતિનો મોટો નિર્ણય : આંદોલનમાં મળેલા અપ્રતિમ સહકાર બદલ આભાર માની આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ આપ્યું ભાવભર્યું આમંત્રણ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જમીન, હિત અને અધિકારોની રક્ષા માટે શરૂ કરવામાં આવેલું ઐતિહાસિક આમરણાંત ઉપવાસ આંદોલન અંતે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ગત તારીખ ૧૮ જૂનથી સતત ચાલી રહેલા આ આંદોલનના ૧૯માં દિવસે એટલે કે સોમવારે ઉપવાસીઓ દ્વારા સત્તાવાર રીતે પારણા કરવામાં આવશે. મોડી રાત્રે આંદોલન છાવણી પર ઉપવાસ પર બેઠેલા નેહુલભાઈ અમૃતિયાની તબિયત અચાનક લથડ્યા બાદ ખેડૂત સમિતિ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂત આગેવાનોએ જેતપર ખાતે આંદોલન સમેટવાની સાથે જ રાજ્યવ્યાપી લડત માટે 'આંદોલન પાર્ટ-૩' નું રણશિંગું ફૂંકવાનું મોટું એલાન કર્યું છે.
સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે ઉપવાસ છાવણી પર યોજાશે પારણા:
ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ જાહેર કરેલી અધિકૃત વિગતો અનુસાર, ખેડૂતોના ભવ્ય હિત માટે યોજાયેલા આ આંદોલનને પંથકના અને ગુજરાતભરના ખેડૂત ભાઈઓ-બહેનો તરફથી અમૂલ્ય અને અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે, જે બદલ સમિતિ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ લડતના પ્રથમ તબક્કાના સફળ સમાપન રૂપે તારીખ ૦૬-૦૭-૨૦૨૬ ને સોમવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે 'ગુજરાત ઉપવાસ છાવણી, જેતપર' ખાતે એક વિશેષ પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ ખેડૂત પરિવારો, મિત્રો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂત એકતાનો સંદેશ વધુ મજબૂત કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પારણા કાર્યક્રમમાં થશે ‘પાર્ટ-૩’ ની સૌથી મોટી જાહેરાત:
ખેડૂત સમિતિના જણાવ્યા મુજબ, સોમવારે રાત્રે યોજાનારા આ પારણા કાર્યક્રમ માત્ર ઉપવાસ છોડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીંથી ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક બહુ મોટી જાહેરાત પણ કરવામાં આવનાર છે. જેતપરનું આંદોલન પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં 'આંદોલન પાર્ટ-૩' ની સત્તાવાર રજૂઆત બધા સમક્ષ બહુ જલ્દી મૂકવામાં આવશે. આ નવી રણનીતિ અંતર્ગત હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતોને એક મંચ પર બોલાવવામાં આવશે.
રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી ઘડાશે ભવિષ્યની નવી વ્યૂહરચના:
આંદોલન સમિતિએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સરકાર સામેની આ લડાઈ હજુ પુરી થઈ નથી પણ તેને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. 'પાર્ટ-૩' યોજના હેઠળ ગુજરાતભરના ખેડૂતોને એકત્રિત કરીને જમીન સંપાદન, વીજલાઈન ટાવર વળતર અને ખેડૂતોના અન્ય પડતર અધિકારોના કાયમી ઉકેલ માટે એક મજબૂત અને વ્યાપક વ્યુહરચના ઘડવામાં આવશે. જેતપરથી શરૂ થયેલી આ ચિંગારી હવે સમગ્ર રાજ્યમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે તેવું આયોજન ખેડૂત નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, જેને પગલે આગામી સમયમાં આ વિવાદ વધુ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
