<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

શ્રીલંકાના દરિયામાં ૧૯ ઈરાની તેલ ટેન્કરો ફસાયા: ખોરાક-બળતણ ખૂટતા કટોકટી : યુએસ પ્રતિબંધોનો ડર

આંતરરાષ્ટ્રીય જળસીમામાં અટવાયેલા જહાજોને મદદ પૂરી પાડવામાં કોલંબોની આનાકાની; 'ગૌણ પ્રતિબંધો' ના જોખમે શ્રીલંકાને નૈતિક અને રાજદ્વારી મૂંઝવણમાં મુક્યું

કોલંબો  :  શ્રીલંકાના દરિયાકાંઠા નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાનના ૧૯ તેલ ટેન્કરો સહિત દઝનબંધ વિદેશી જહાજો ફસાયેલા હોવાથી મોટી દરિયાઈ અને માનવતાવાદી કટોકટી સર્જાઈ છે. આ જહાજોમાં પીવાનું પાણી, ભોજન અને ઇંધણનો જથ્થો તળિયે પહોંચી ગયો છે, જેના કારણે ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. છતાં, શ્રીલંકા સરકારે સત્તાવાર રીતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ જહાજોને તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની લોજિસ્ટિક કે પુરવઠા સહાય પૂરી પાડવાની સ્થિતિમાં નથી, કારણ કે અમેરિકાના કડક પ્રતિબંધોનો ડર કોલંબોના નિર્ણયોને સીધી રીતે પ્રભાવિત કરી રહ્યો છે.

શ્રીલંકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને વિદેશ પ્રધાન વિજિતા હેરાથે જણાવ્યું છે કે હાલમાં કુલ ૪૭ વિદેશી જહાજો દેશના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ) માં સ્થિત છે, જે ૧૨-નોટિકલ માઈલની પ્રાદેશિક જળસીમાની બહાર છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મદદ આપતા પહેલાં શ્રીલંકા તેના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓ સ્થાનિક શિપિંગ કંપનીઓને આ ટેન્કરોને પુરવઠો પૂરો પાડતા રોકવા માટે ભારે દબાણ બનાવી રહ્યા છે, જેથી શ્રીલંકન કંપનીઓ યુએસના 'ગૌણ પ્રતિબંધો'  નો ભોગ બનવાથી બચવા માટે મદદ કરવાથી પાછળ હટી રહી છે.

આ સંકટની શરૂઆત ફેબ્રુઆરીમાં યુએસ, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા લશ્કરી તણાવ અને ત્યારબાદ ઈરાની બંદરો પર લાદવામાં આવેલી નૌકાદળ નાકાબંધીથી થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રમાં શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રતિનિધિ દયાન જયતિલેકાએ સ્વીકાર્યું છે કે કોલંબો અત્યંત મુશ્કેલ નૈતિક અને કાનૂની મૂંઝવણમાં મુકાયું છે. એક તરફ જહાજો પર રહેલા કર્મચારીઓની માનવતાવાદી જરૂરિયાતો છે, તો બીજી તરફ વૈશ્વિક નાણાકીય પ્રણાલીમાં અમેરિકી ડોલરના વર્ચસ્વના કારણે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવાનું જોખમ રહેલું છે. પરિણામે, શ્રીલંકા હાલ અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે.

(10:39 PM IST)