તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
૨૦૨૭ની યુપી ચૂંટણી અને 'પૂર્વાંચલના ત્રિદેવ': ભાજપ માટે મતબેંકનો ખજાનો કે પછી સમાજવાદી પાર્ટી માટે ઘેરાબંધીની તક?
અનુપ્રિયા પટેલ, ઓપી રાજભર અને સંજય નિષાદની ત્રિપુટી પાસે છે બિન-યાદવ ઓબીસી વોટબેંકની ચાવી : બેઠકોની વહેંચણી અને અસંતોષ વચ્ચે શિવપાલ યાદવે ગઠબંધનમાં ગાબડું પાડવા જાળ પાથરી

લખનૌ : ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના પડઘમ અત્યારથી જ વાગવા લાગ્યા છે. સામાન્ય રીતે યુપીનો જંગ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે માનવામાં આવે છે, પરંતુ પૂર્વાંચલના રાજકારણમાં ત્રણ પ્રાદેશિક નેતાઓ - અનુપ્રિયા પટેલ (અપના દળ-એસ), ઓમપ્રકાશ રાજભર (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી) અને ડો. સંજય નિષાદ (નિષાદ પાર્ટી) - 'ત્રિદેવ' તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. બિન-યાદવ ઓબીસી (કુર્મી, રાજભર અને નિષાદ) જાતિઓ પર મજબૂત પકડ ધરાવતા આ ત્રણેય નેતાઓ પાસે મતોનો બહોળો ભંડાર છે. હાલમાં આ ત્રિપુટી ભાજપ સાથે એનડીએ ગઠબંધનમાં છે, પરંતુ ૨૦૨૭ના સંગ્રામમાં તેમને સાથે રાખીને બેઠકોની યોગ્ય વહેંચણી કરવી એ ભાજપના શિર્ષ નેતૃત્વ માટે સૌથી મોટો પડકાર બની રહેશે.
યુપીની કુલ વસ્તીમાં આશરે ૫૨% ઓબીસી છે, જેમાં ૯% યાદવ મતો સિવાયના બિન-યાદવ પછાત વર્ગો કોઈપણ પક્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે સક્ષમ છે. ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી માત્ર યાદવ અને મુસ્લિમ સમીકરણ પર વધુ નિર્ભર રહેતી હોવાનો આક્ષેપ કરીને ભાજપે આ સમુદાયોના રોષનો લાભ લીધો હતો અને કેશવપ્રસાદ મૌર્ય જેવા નેતાઓને આગળ કરી બિન-યાદવ ઓબીસી પર પકડ જમાવી હતી. અપના દળના સહારાથી કુર્મી વોટ, નિષાદ પાર્ટી દ્વારા નદી કિનારે વસતા સમુદાયો અને રાજભરની સુભાષપા દ્વારા પૂર્વાંચલની અનેક બેઠકો પર જીતનો માર્ગ સરળ બન્યો હતો. આ જ કારણ છે કે ભાજપ માટે આ ત્રણેય સાથી પક્ષો ૨૦૨૭માં સત્તા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
જોકે, આ ગઠબંધન પર હવે સમાજવાદી પાર્ટીના 'પીડીએ' (પછાત, દલિત, અલ્પસંખ્યક) ફોર્મ્યુલાનું ભારે દબાણ છે. સપાના વરિષ્ઠ નેતા શિવપાલ સિંહ યાદવ જાહેર મંચ પરથી 'પૂર્વાંચલના ત્રિદેવ'ને પોતાની તરફ ખેંચવા માટે સતત ડોળા ડિટાવી રહ્યા છે. જો બેઠક વહેંચણી વખતે કોઈ અસંતોષ ઊભો થાય, તો સપા આ ત્રિપુટીમાંથી કોઈને પણ તોડવામાં ક્ષણભરનો પણ વિલંબ નહીં કરે. નિષાદ સમુદાયને એસસી દરજ્જો અપાવવાની માંગ અને રાજભર-અનુપ્રિયાની રાજકીય આકાંક્ષાઓ વચ્ચે ભાજપ આ ત્રિદેવના વોટબેંકને સફળતાપૂર્વક ટ્રાન્સફર કરાવી શકશે કે કેમ, તે પ્રશ્ન જ ૨૦૨૭ના યુપી ચૂંટણી જંગનો સૌથી રોમાંચક વળાંક સાબિત થશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
