તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
૨૨ વર્ષની ઉંમર... ૫ બાળકો અને પેટમાં છઠ્ઠું
બીજા દીકરાની ઘેલછામાં મહિલા દર વર્ષે થઈ ગર્ભવતી UPનો વિચિત્ર કિસ્સો : લગ્ન થયા, ત્યારે તે માંડ ૧૫ કે ૧૬ વર્ષની હતી. જે સૌથી મોટું બાળક છે તે ૮ વર્ષનું છે. ચાર દીકરીઓ અને એક દીકરો છે

બાગપત તા.૧: યુપીના બાગપત જિલ્લામાંથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૨૨ વર્ષની મહિલાએ માત્ર એક દીકરાની ચાહતમાં પાંચ-પાંચ બાળકોને જન્મ આપ્યો છે. હવે તેનું છઠ્ઠું બાળક આવવાનું છે. અસલમાં, આ સમગ્ર કિસ્સાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બડૌત સ્થિત સ્પંદન હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રજ્ઞા તોમરે શેર કર્યો છે. તેમણે સમાજને એક ગંભીર સવાલ પૂછ્યો છે કે, શું દીકરાઓની ચાહતમાં એક મહિલાના સ્વાસ્થ્યને આ રીતે દાવ પર લગાવવું યોગ્ય છે. દંપતિની ઓળખ જાહેર ન થાય એ માટે અમે આ વીડિયો તમને નહીં બતાવી શકીએ.
હકીકતમાં, વાયરલ વીડિયોમાં ડો. તોમર આ ગર્ભવતી મહિલાને તેની ઉંમર અને સ્વાસ્થ્ય વિશે પૂછતા નજરે પડી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે તે માત્ર ૨૨ વર્ષની છે. હાલમાં પાંચ મહિનાની ગર્ભવતી છે. પહેલાથી જ પાંચ બાળકો છે. હવે આ તેનું છઠ્ઠું બાળક આવવાનું છે. જ્યારે ડોક્ટરે મહિલા અને તેના પતિને લગ્ન અંગે સવાલો કર્યા, ત્યારે ખબર પડી કે આ દંપતી રાજસ્થાનના રહેવાસી છે અને તેમના બાળલગ્ન થયા હતા.
મહિલાએ જણાવ્યું કે, જ્યારે તેના લગ્ન થયા, ત્યારે તે માંડ ૧૫ કે ૧૬ વર્ષની હતી. જે સૌથી મોટું બાળક છે તે ૮ વર્ષનું છે. ચાર દીકરીઓ અને એક દીકરો છે. આટલી નાની ઉંમરે વારંવાર માતા બનવાની વાત સાંભળીને ડોક્ટરે ગર્ભનિરોધકના ઉપયોગ અંગે સવાલ કર્યો હતો. તો મહિલાએ કહ્યું કે, સતત દીકરીઓ પેદા થઈ રહી હતી, તેથી આવું કરવું પડ્યું. આ પછી જ્યારે ડોક્ટરે પતિને પૂછ્યું તો તેણે કહ્યું કે, હા જી, કરીએ છીએ ને.
આના પર ડોક્ટરે પૂછ્યું કે, તો પછી આ દર વર્ષે બાળકો કેમ થઈ રહ્યા છે. તો તે બોલે છે કે એક દીકરો પૂરતો નથી, ઓછામાં ઓછા બે દીકરા તો હોવા જ જોઈએ, નહીં તો ઘર કેવી રીતે ચાલશે. તેણે એવો અજીબોગરીબ તર્ક પણ આપ્યો કે ભવિષ્યમાં જેટલા વધારે બાળકો હશે, કમાનારા હાથ પણ એટલા જ વધારે હશે. તપાસ દરમિયાન મહિલાએ પોતાના ખરાબ સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેણે જણાવ્યું કે, તેને અવારનવાર ચક્કર આવે છે અને શ્વાસ ફૂલવાની સમસ્યા રહે છે. આના પર ડો. તોમરે દંપતીને કડક ઠપકો આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બે બાળકો વચ્ચે અંતર હોવું ખૂબ જરૂરી છે. મહિલાના જીવને જોખમમાં મૂકવા બદલ તેમણે પરિવારના આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, તમે બંને જ પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છો. ન તો આટલા બાળકોને બરાબર ખાવા-પીવાનું આપી શકશો અને ન તો તેમનો સાચો ઉછેર કરી શકશો.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
