તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ઇરાકમાં ૨૩ વર્ષથી ચાલી રહેલા અમેરિકી સૈન્ય અભિયાનનો સત્તાવાર અંત: ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમામ સૈનિકો પરત ફરશે
વ્હાઈટ હાઉસમાં ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથેની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વપૂર્ણ જાહેરાત: સૈન્યની વિદાય છતાં અમેરિકી કંપનીઓ ઈરાકમાં વેપાર-ભાગીદારી જાળવી રાખશે

વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ચાલી રહેલા અમેરિકાના સૈન્ય પ્રકરણનો આખરે ઐતિહાસિક અંત આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ જાહેરાત કરી છે કે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ઈરાકમાંથી તમામ અમેરિકી સૈનિકો સંપૂર્ણપણે પાછા ખેંચી લેવામાં આવશે. આ નિર્ણય સાથે વર્ષ ૨૦૦૩માં સદ્દામ હુસેન સરકારને હટાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા અમેરિકી મિશનના ૨૩ વર્ષના લાંબા ગાળા પર પૂર્ણવિરામ મુકાશે.
'હવે સૈન્યની જરૂર નથી': ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, "અમને હવે ઈરાકમાં સૈન્યની હાજરીની કોઈ આવશ્યકતા જણાતી નથી." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકા ત્યાં ઈરાકને મદદ કરવા અને જરૂર પડે તો સુરક્ષા પૂરી પાડવા માટે હતું, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેની જરૂરિયાત રહી નથી. રાષ્ટ્રપતિએ ઈરાક સાથેના આર્થિક સંબંધો પર ભાર મૂકતા સંકેત આપ્યો હતો કે અમેરિકી કંપનીઓ હવે ઈરાકમાં તેલ અને અન્ય ક્ષેત્રોમાં વ્યાપક ભાગીદારી કરી રહી છે, જે બંને દેશો વચ્ચેના નવા સંબંધોનો પાયો બનશે.
ઇરાકી વડાપ્રધાન દ્વારા સમર્થન
ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ ટ્રમ્પ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ સમયરેખાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઈરાકની ધરતી પરથી તમામ અમેરિકી સૈન્ય દળો વિદાય લઈ લેશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે સૈન્યના ઉપાડ બાદ પણ અમેરિકી કોર્પોરેટ કંપનીઓ ઈરાકમાં પોતાની કામગીરી ચાલુ રાખશે અને બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનશે.
૨૦૨૪ના કરારનો અમલ
પેન્ટાગોન દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, આ નિર્ણય વર્ષ ૨૦૨૪માં ઈરાક સાથે થયેલા સુરક્ષા કરારનો જ એક ભાગ છે. આ કરારનો મુખ્ય હેતુ ઇસ્લામિક સ્ટેટ (IS) સામેના મિશનને તબક્કાવાર પૂર્ણ કરવાનો હતો. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાએ આતંકવાદ વિરોધી કામગીરી અને તાલીમ આપવાની જવાબદારી ઇરાકી સુરક્ષા દળોને સોંપવાનું શરૂ કરી દીધું હતું, જેને પગલે છેલ્લા ઘણા મહિનાઓથી સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઐતિહાસિક ઘટનાક્રમ
વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલું આ અભિયાન બાદમાં બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ઇસ્લામિક સ્ટેટ (IS) વિરોધી લડાઈમાં પરિવર્તિત થયું હતું. ૨૦૨૧માં લડાયક દળોની વિદાય બાદ પણ આશરે ૨,૫૦૦ સૈનિકો તાલીમ અને સલાહકાર તરીકે તૈનાત હતા. હવે ૩૦ સપ્ટેમ્બરની નિર્ધારિત તારીખ સાથે, આ લાંબી સૈન્ય હાજરીનો સત્તાવાર રીતે અંત આવશે, જે મધ્ય-પૂર્વની રાજનીતિમાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
