હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં ૨૫ જાન્યુ.થી ૨૮ ફેબ્રુ. સુધી વસતી ગણતરી હાથ ધરાશે
વસતી ગણતરી ૨૦૨૭નો કાર્યક્રમ જાહેર : ૧૦ જાન્યુ.થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૭ સુધી સેલ્ફ એન્યુમરેશનમાં વ્યક્તિ જાતે જ માહિતી આપી શકશે

નવી દિલ્હી,તા.૩૧: દેશમાં વસતી ગણતરીની તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. સરકારના જણાવ્યા મુજબ વસતી ગણતરીનું કામ ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ચાલશે. બરફથી ઢંકાયેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યો સિવાયના રાજ્યોમાં વસતી ગણતરીનું કામ હાથ ધરાશે તેમ સેન્સસ કમિશનરે શુક્રવારે જણાવ્યું હતું.
સત્તાવાર નોટિફિકેશન મુજબ વસતી ગણતરી માટે રેફરન્સ તારીખ ૧ માર્ચ, ૨૦૨૭ રાખવામાં આવી છે. એટલે કે ૧ માર્ચ, ૨૦૨૭ના આધારે નાગરિકોની માહિતી અને આંકડા નોંધવામાં આવશે. ચૂંટણી રાજ્યો મણિપુર, ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ તથા હિમાચ્છાદિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લદાખ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુકાશ્મીર સિવાયના બધા જ રાજ્યોમાં ઘરે-ઘરે વસતી ગણતરી પ્રક્રિયા ૨૫ જાન્યુઆરીથી હાથ ધરાશે અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ચાલશે. ત્યાર પછી ૧ માર્ચથી ૫ માર્ચ ૨૦૨૭ સુધી રિવિઝનલ રાઉન્ડ હાથ ધરાશે. એટલે કે અગાઉ એકત્ર કરાયેલી માહિતીની ફરીથી ચકાસણી કરાશે.
જોકે, સત્તાવાર રીતે વસતી ગણતરી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં ૧૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૭, સુધી સેલ્ફ એન્યુમરેશન થશે, જેમાં વ્યક્તિ પોતે જ પોતાની માહિતી ભરી શકશે. કેન્દ્ર સરકારે વસતી ગણતરીની પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડનું બજેટ ફાળવ્યું છે. પ્રત્યેક ૧૦ વર્ષે હાથ ધરવામાં આવતી વસતી ગણતરી પ્રક્રિયા ૨૦૨૧માં થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને ત્યાર પછી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના કારણે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
