તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ : ગુજરાતથી શરૂ થયેલી વિકાસયાત્રા 'વિકસિત ભારત @૨૦૪૭'ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે
મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષની કલ્યાણકારી સફર : પંચામૃત દર્શન, ટેકનોલોજી આધારિત સુશાસન અને આત્મનિર્ભરતાના દ્રષ્ટિકોણથી દેશ અને રાજ્યમાં યુગપરિવર્તન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: આજથી ૨૫ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ વિનાશક ભૂકંપના ઘામાંથી બહાર આવી રહેલા ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. રાજ્યના આત્મવિશ્વાસને ફરી બેઠો કરવાનો પડકાર સ્વીકારીને તેમણે નવા ગુજરાતનું નિર્માણ કર્યું. માર્ગ નિર્માણ, વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ આપવા સાથે તેમણે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, ખેલ મહાકુંભ, 'સ્વાગત' પોર્ટલ અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા માધ્યમોથી જનભાગીદારી વધારી. મુખ્યમંત્રી તરીકે ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીના ૧૩ વર્ષમાં તેમણે જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષાશક્તિના ‘પંચામૃત’ મોડેલ પર ગુજરાતનો પાયો મજબૂત કર્યો.
વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમણે આ જનકેન્દ્રિત અભિગમને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કર્યો. ગુજરાતની સફળ પહેલોના આધારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને નલ સે જલ જેવી યોજનાઓ રાષ્ટ્રીય એજન્ડામાં સામેલ થઈ. વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, વાણિજ્ય અને રેલવે ક્ષેત્રે વ્યાપક પરિવર્તનો આવ્યા છે. વૈશ્વિક સ્તરે વેક્સિન મૈત્રી, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને ઓપરેશન સિંદૂર જેવી પહેલોએ ભારતની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત કરી છે.
૨૫ વર્ષની વિકાસયાત્રા દરમિયાન ગુજરાતને મળેલી મુખ્ય ભેટો:
* રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી રૂ. ૨૦,૬૬૭ કરોડના ખર્ચે ભારતનો પ્રથમ સેમી હાઈસ્પીડ ડબલ લાઈન રેલ પ્રોજેક્ટ, રૂ. ૫૮૦૦ કરોડના ખર્ચે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ સેક્શન, દાહોદ ખાતે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ અને મે ૨૦૨૫માં સમર્પિત કરાયેલું ૯૦૦૦ હોર્સપાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન.
* સેમિકન્ડક્ટર અને ઉદ્યોગ: ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ૬ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, નવસારીમાં PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક, હાંસલપુરમાં મારુતિ સુઝુકીની ઇ-વિટારા કાર તથા બેટરી પ્લાન્ટનું લોન્ચિંગ.
* ગિફ્ટ સિટી અને નાણાકીય ક્ષેત્ર: કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં ૨૦ વર્ષની ટેક્સ હોલિડેની જાહેરાત, ભારતનું પ્રથમ IFSCA અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX).
* ઊર્જા અને પર્યાવરણ: કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ RE પાર્કમાં રૂ. ૩૬૪૫ કરોડના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભાવનગર ખાતે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ પોર્ટ.
* રમતગમત, શિક્ષણ અને આવાસ: ગુજરાતમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન, અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, GFSUને ‘નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી’ (NFSU) તથા ‘INI’ નો દરજ્જો અને રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ ૧૧૪૪ આધુનિક આવાસ.
* વિકાસકાર્યોની વણઝાર: સપ્ટેમ્બર ૨૦૨૬માં વડાપ્રધાનના હસ્તે રાજ્યને રૂ. ૩૫,૨૦૦ કરોડથી વધુના વિકાસપ્રકલ્પોની સોગાદ મળી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ મળી કુલ ૨૫ વર્ષની આ તપસ્યા આજે 'વિકસિત ભારત @૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
