<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ખાલી ફલેટમાંથી ૪ કલાકમાં ૨૫૦ કેબ બુક થઈ

જયપુરના વાટિકા રોડ પર આવેલા ગુલમોહર ગાર્ડન વિસ્‍તારમાં એક અજીબ કિસ્‍સો બન્‍યો

જયપુર તા.૭: જયપુરના વાટિકા રોડ પર આવેલા ગુલમોહર ગાર્ડન વિસ્‍તારમાં એક અજીબ કિસ્‍સો બન્‍યો. આ અપાર્ટમેન્‍ટના એક ખાલી ફલેટના નામ પર કેબ બુક થઈ હતી. બપોરે લગભગ ૩.૩૦નો સમય હતો. એક કેબ-ડ્રાઇવર અપાર્ટમેન્‍ટની નીચે આવીને ઊભો રહ્યો. અપાર્ટમેન્‍ટના વોચમેને પૂછ્‍યું કે કોના માટે ટેક્‍સી છે? તેણે જે ફલેટ કહ્યો એ તો ઘણા વખતથી ખાલી રહેતો હતો. વોચમેને કહ્યું કે કંઈક ભૂલ થઈ હશે. બીજા કોઈએ બુક કરાવી હશે તે નીચે આવશે. કેબવાળો સાઇડમાં રાહ જોવા લાગ્‍યો. જોકે એવામાં બીજી કેબ આવી. બીજી પછી ત્રીજી, ચોથી એમ કેબ્‍સની લાઇન લાગવા લાગી. તમામ કેબ્‍સ આ ખાલી ફલેટના સરનામે જ બુક થઈ હતી. ડ્રાઇવરોએ જે નંબરથી કેબ બુક થયેલી એના પર ફોન કર્યો તો ફોન સ્‍વિચ્‍ડ ઑફ આવતો હતો. કેબ-બુકિગની આ મિસ્‍ટરી દસ-વીસ કેબ પર અટકી નહીં, સતત નવી કેબ્‍સ આવ્‍યા જ કરતી હોવાથી વોચમેન કંટાળી ગયો. રજિસ્‍ટરમાં દરેક કેબની માહિતી લખતાં ખબર પડી કે રાતના ૮ વાગ્‍યા સુધીમાં લગભગ ૨૫૦ કેબ્‍સ અપાર્ટમેન્‍ટના આંગણે આવીને ગઈ હતી. એક જ લોકેશન પરથી વારંવાર ગાડીઓ બુક થતી હતી અને કોઈ એમાં આવતું નહોતું એને કારણે વોચમેન પણ હેરાન થઈ ગયો. ડ્રાઇવરો પણ બુકિગ હોવાથી અપાર્ટમેન્‍ટ સુધી આવતા અને ખાસ્‍સી રાહ જોયા પછી ત્‍યાંથી નીકળતા એને કારણે પૈસા અને સમય બરબાદ થતા હોવાથી ગુસ્‍સે ભરાયા. ડ્રાઇવરોએ પોતપોતાની કેબ-કંપનીઓમાં ફરિયાદ નોંધાવી અને કંપનીઓએ પોલીસને જાણ કરી. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે ૪ કલાકમાં ૨૫૦ કેબ બુક કરવાનું કારસ્‍તાન કર્યું કોણે હતું.

(3:24 PM IST)