<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

માનતા પૂર્ણ થતા ૨૬ યુવકો ગાયોના પગ તળે સૂઈ ગયા

ઉજ્જૈનમાં અનોખી પરંપરા : આસ્‍થા અને વિશ્વાસનું એવું દ્રશ્‍ય સામે આવ્‍યું, જેને જોઈને સૌકોઈ નવાઈમાં પડી ગયા હતા

ઉજ્જૈન,તા.૧૩: મધ્‍ય પ્રદેશના ઉજ્જૈન જિલ્‍લાના વડનગર તાલુકામાં દિવાળીના બીજા દિવસે સદીઓ જૂની અનોખી પરંપરા નિભાવવામાં આવી છે. અહીં આસ્‍થા અને વિશ્વાસનું એવું દ્રશ્‍ય સામે આવ્‍યું, જેને જોઈને સૌકોઈ નવાઈમાં પડી ગયા હતા. પોતાની માનતા પૂર્ણની કામના લઈને પાંચ દિવસ સુધી ઉપવાસ રાખનાર યુવાનોએ ગાયોના ધણની નીચે સૂઈને પોતાની આસ્‍થાનું પ્રદર્શન કર્યું. આ દરમિયાન ગામની ગાયોને એક સાથે ભેગી કરવામાં આવી અને યુવાઓ ઉપરથી આખું ધણ પસાર કરાવવામાં આવ્‍યું. ખાસ વાત એ રહી કે આ પરંપરા દરમિયાન કોઈ પણ યુવકને ઈજા થઈ નહીં.

વડનગર તાલુકાના રાવરિયા, લોહારિયા અને ભિરાવદ ગામમાં આ અનોખી પરંપરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં કુલ ૨૬ યુવકોએ ભાગ લીધો હતો. આ યુવાઓએ પોતાની માનતા પૂરી કરવાની કામના સાથે સતત પાંચ દિવસ સુધી ઉપવાસ રાખ્‍યો હતો. દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના અવસરે તેઓએ પરંપરા અનુસાર ગાયોના ધણ નીચે સૂઈને પોતાની માનતા સંબંધી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. આ દરમિયાન ગામની તમામ ગાયોને એક જગ્‍યાએ ભેગી કરવામાં આવી. ત્‍યાર બાદ ઉપવાસ રાખનાર યુવકો જમીન પર સૂઈ ગયા. ત્‍યાર બાદ ગાયના ધણને તેના ઉપરથી પસાર કરાવવામાં આવ્‍યું. ગાયોનું ધણ જ્‍યારે યુવાનો પરથી પસાર થઈ રહ્યું હતું, ત્‍યારે તમામ લોકોની નજર યુવકો પર હતી. જ્‍યારે આ વિધિ પૂર્ણ થઈ તો એક પણ યુવકને ઈજા પહોંચી નહોતી.

ગ્રામીણો અનુસાર, આ પરંપરા ઘણી જૂની છે અને પીઢીઓથી ચાલી આવે છે. માનતા અને ધાર્મિક આસ્‍થા સંબંધિત આ વિધિને દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. તેમાં સામેલ થનાર યુવકો પહેલા પાંચ દિવસ સુધી ઉપવાસ રાખે છે અને પછી પરંપરા અનુસાર ગાયોની નીચે સૂઈ જાય છે.

આ અનોખું આયોજન જોવા માટે ત્રણ ગામના અલગ અલગ વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં ગ્રામજનો પહોંચે છે. લોકોએ સંપૂર્ણ ઉત્‍સાહ અને શ્રદ્ધા સાથે આ પરંપરાને જોઈ હતી. ગામમાં આ દરમિયાન ભારે ધાર્મિક માહોલ જોવા મળ્‍યો, વૃદ્ધોનું કહેવું છે કે, આધુનિકતાના સમયમાં પણ ગ્રામીણો પોતાની જૂની પરંપરા અને માન્‍યતાઓને જાળવી રાખી છે. ઉજ્જૈનના વડનગર વિસ્‍તારમાં નિભાવવામાં આવતી આ પરંપરા દિવાળીના તહેવારને એક અલગ ઓળખ આપે છે. અહીં આસ્‍થા, વિશ્વાસ અને સદીઓ જૂની ગ્રામીણ સંસ્‍કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે

 

(10:22 AM IST)