તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
સ્પેનની પ્રવાસીઓથી ધમધમતી ગુફામાં ૨૬ હજાર વર્ષ જૂની પ્રાગૈતિહાસિક કલાના અદ્ભુત પુરાવા : ૨૮૦ શિલાકોતરણીઓથી પુરાતત્ત્વવિદો આશ્ચર્યચકિત
ઘોડા, રીંછ અને હરણ સહિત ૫૫ પ્રાણીઓનાં ચિત્રો : હજારો પ્રવાસીઓ જે ગુફામાં ફરતા રહ્યા, ત્યાં જ છુપાયેલો હતો માનવ સંસ્કૃતિનો અમૂલ્ય વારસો

સ્પેન, તા. ૭ : સ્પેનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા કેટાલોનિયાની વિશ્વવિખ્યાત ‘કોવા દે લા ફોન્ટ મેજર’ ગુફામાંથી પ્રાગૈતિહાસિક માનવકલાના આશ્ચર્યજનક પુરાવા પ્રકાશમાં આવ્યા છે. પુરાતત્ત્વવિદોએ ગુફાની દીવાલો પર ૨૮૦ જેટલી પ્રાચીન શિલાકોતરણીઓનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેમાં ઘોડા, રીંછ, હરણ અને જંગલી બળદ સહિત વિવિધ પ્રાણીઓનાં ૫૫ ચિત્રોનો સમાવેશ થાય છે. આ ગુફામાં આશરે ૨૬ હજાર વર્ષ પહેલાં માનવ વસવાટના પુરાવા મળ્યા છે. જોકે શિલાચિત્રોની ચોક્કસ ઉંમર હજુ નિશ્ચિત થઈ નથી.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગુફા છેલ્લા લગભગ સાત દાયકાથી પ્રવાસીઓ માટે ખુલ્લી છે. વર્ષ ૧૯૯૩માં તેને પ્રવાસન આકર્ષણ તરીકે વિકસાવવામાં આવી હતી. હજારો લોકો અહીંથી પસાર થયા હોવા છતાં પ્રાચીન કલાકૃતિઓ કોઈની નજરે ચડી નહોતી. વર્ષ ૨૦૧૯માં પુરાતત્ત્વવિદ જોસેપ મારિયા વર્જેસ બોશે તપાસ દરમિયાન દીવાલ પર પ્રકાશ અલગ ખૂણેથી પાડતાં આ કોતરણીઓ શોધી કાઢી હતી.
પુરાતત્ત્વવિદ મિરિયમ સાલાસ-આલ્ટેસના જણાવ્યા મુજબ ગુફાની દીવાલો પરની આકૃતિઓ સામાન્ય પ્રકાશમાં સ્પષ્ટ દેખાતી નથી. જુદી જુદી દિશામાંથી પ્રકાશ પાડવાથી પ્રાચીન કોતરણીની રેખાઓ દેખાય છે. કેટલીક આકૃતિઓમાં પ્રાણીઓ ગતિ કરતાં હોય તેવો આભાસ સર્જાયો છે. પ્રાચીન કલાકારોએ દીવાલોની કુદરતી તિરાડો અને ઊંચા-નીચા ભાગોનો પણ કલાત્મક ઉપયોગ કર્યો હતો.
આ સંશોધનનો વિગતવાર અહેવાલ ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય પુરાતત્ત્વ સામયિક ‘એન્ટિક્વિટી’માં પ્રકાશિત થયો છે. સંશોધકોના મતે આ શોધ ભૂમધ્ય સમુદ્રને અડીને આવેલા આઇબેરિયન પ્રદેશની પ્રાગૈતિહાસિક ગુફાકલાના સૌથી મોટા ત્રણ સંગ્રહોમાં સ્થાન ધરાવે છે. આ વિસ્તાર પ્રાચીન કલાની દૃષ્ટિએ પ્રમાણમાં પછાત હોવાનું અગાઉ માનવામાં આવતું હતું, પરંતુ નવી શોધે એ માન્યતાને પડકાર આપી માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે.
તસવીર : સ્પેનની પ્રાચીન ગુફાની દીવાલ પર કોતરાયેલું ઘોડાનું શિલાચિત્ર અને ગુફામાં પ્રાગૈતિહાસિક કલાકૃતિઓનો અભ્યાસ કરી રહેલા સંશોધકની તસવીર.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
