હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં HSRP ફીટ કરવામાં ધીમી કામગીરી બદલ મુંબઈ સહિત 27 RTO ને કારણદર્શક નોટિસ
૯૮ લાખ વાહનોમાં હજુ પણ હાઇ સેક્યુરિટી નંબર પ્લેટ બાકી હોવાથી પરિવહન વિભાગની આકરી લાલ આંખ

મુંબઈ : મહારાષ્ટ્રમાં એપ્રિલ ૨૦૧૯ પહેલાના વાહનોમાં હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP) લગાડવાની કામગીરીમાં ભારે ઢીલ સામે આવતા પરિવહન વિભાગે આકરા પગલાં લીધા છે. મુંબઈ સહિત રાજ્યની ૨૭ પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) ના અધિકારીઓને નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ૭ ઓક્ટોબરના રોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં પરિવહન કમિશનરે નોંધ્યું હતું કે ૨૫ થી ૩૦ RTO એ તેમના વિસ્તારના અડધાથી પણ ઓછા વાહનોમાં પ્લેટ લગાડી છે. પરિવહન મંત્રીની નારાજગી બાદ કમિશનરે તમામ અધિકારીઓને સાત દિવસમાં ખુલાસો રજૂ કરવા અને અસંતોષકારક જવાબ બદલ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
રાજ્યમાં એપ્રિલ ૨૦૧૯ પહેલા નોંધાયેલા કુલ ૨.૧ કરોડ વાહનોમાંથી અત્યાર સુધીમાં આશરે ૧.૧૨ કરોડ વાહનોમાં જ HSRP ફીટ થઈ શકી છે, જ્યારે ૯૮ લાખ વાહનો હજુ પણ પ્લેટ વગર દોડી રહ્યા છે. પરિવહન કમિશનરે ૩૧ જુલાઈ, ૪ સપ્ટેમ્બર અને ૭ ઓક્ટોબરે સમીક્ષા બેઠકો યોજીને ઝડપ વધારવા નિર્દેશ આપ્યા હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે RTO વડાઓ કામગીરીનું પ્રભાવી દેખરેખ રાખવામાં અને લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી હવે ધીમી પ્રગતિ માટે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે.
બીજી તરફ, વિભાગ દ્વારા HSRP વગર રસ્તા પર દોડતા વાહનો સામે કડક તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ચેકિંગ દરમિયાન નિરીક્ષણ કરાયેલા ૨ લાખ વાહનોમાંથી ૫૭,૮૯૦ વાહનો નિર્ધારિત નંબર પ્લેટ વગરના મળી આવ્યા હતા. નિયમોનો ભંગ કરનારા આ વાહનચાલકો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૧.૧૬ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાહનચાલકો દંડથી બચવા માટે વહેલી તકે HSRP પ્લેટ લગાવી લે, અન્યથા આગામી દિવસોમાં વધુ આકરા દંડ અને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ નોટિસ બાદ RTO અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને સાત દિવસની મુદત પૂર્ણ થતાં જ કચેરીઓ દ્વારા પોતપોતાનો સ્પષ્ટતા રિપોર્ટ પરિવહન કમિશનરને સુપ્રત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્થિતિને પહોંચી વળવા માટે મુંબઈ સહિત વિવિધ RTO કચેરીઓ દ્વારા HSRP ફિટમેન્ટ સેન્ટરોની સંખ્યા વધારવા અને વીકએન્ડમાં પણ સ્પેશિયલ સ્લોટ ફાળવવાની યોજના બનાવવામાં આવી રહી છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અસંતોષકારક ખુલાસો આપનારા RTO અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને સસ્પેન્શન સુધીના આકરા પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
