<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

પાકિસ્‍તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી ૨૮ બાળકો ૧ શિક્ષિકાનું મોત

૪૦થી વધુ ઘાયલઃ શાહબાઝ શરીફે શોક વ્‍યક્‍ત કરી તાત્‍કાલિક તબીબી મદદ પહોંચાડવા આપ્‍યા આદેશો

પેશાવર, તા.૧૫: પાકિસ્‍તાનના પેશાવર શહેરના દીર કોલોની વિસ્‍તારમાં આવેલી એક ખાનગી શાળામાં સવારના સમયે બાળકો ભણી રહ્યા હતા ત્‍યારે અચાનક આખી છત ધડાકાભેર ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાઈ હતી. પળવારમાં જ હસતા રમતા બાળકોનો કલરવ કરૂણ ચીસાચીસમાં ફેરવાઈ ગયો હતો. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ૨૮ માસૂમ બાળકો અને એક મહિલા શિક્ષિકાનું ઘટનાસ્‍થળે જ કરૂણ મોત નિપજ્‍યું હતું, જ્‍યારે ૪૦થી વધુ બાળકો અને શાળાના કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં જ પેશાવરની લેડી રીડિંગ હોસ્‍પિટલ પ્રશાસન અને ઈમરજન્‍સી બચાવ ટીમો તાબડતોબ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. કેપિટલ સિટી પોલીસ ઓફિસર ડૉ. મિયાં સઈદના જણાવ્‍યા અનુસાર, કાટમાળ નીચે દબાયેલા બાળકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્‍કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. સ્‍થાનિક લોકો અને બચાવકર્તાઓએ કાટમાળ ખસેડીને ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક હોસ્‍પિટલ પહોંચાડ્‍યા હતા, જ્‍યાં ઘાયલ બાળકોની સારવાર માટે ખાસ ઈમરજન્‍સી વોર્ડ શરૂ કરવામાં આવ્‍યો છે.

આ હૃદયદ્રાવક અકસ્‍માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સમગ્ર પાકિસ્‍તાનમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. પાકિસ્‍તાનના વડા-ધાન શાહબાઝ શરીફે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્‍યક્‍ત કર્યો હતો અને મળતક બાળકોના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી હતી. વડાપ્રધાને સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવાની સાથે ઈજાગ્રસ્‍ત બાળકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી.

(3:29 PM IST)