<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

૩ મહિનાની પ્રેગ્નન્‍સીઃ લગ્નને માત્ર ૪ મહિનાઃ રક્ષા મંત્રાલયની મહિલા અધિકારીના મોતથી ખળભળાટ

દિલ્‍હીના દ્વારકા વિસ્‍તારમાં ત્રણ મહિનાની ગર્ભવતી ૩૦ વર્ષીય મહિલાના કથિત આપઘાતનો કેસ સામે આવ્‍યો : મહિલાના પરિવારે તેના પતિ અને સાસરિયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્‍યો

નવી દિલ્‍હી તા.૨૪: દિલ્‍હીના દ્વારકા વિસ્‍તારમાં ત્રણ મહિનાની ગર્ભવતી ૩૦ વર્ષીય મહિલાના કથિત આપઘાતનો કેસ સામે આવ્‍યો છે. મૃતક મહિલા રક્ષા મંત્રાલયમાં અસિસ્‍ટન્‍ટ સેક્‍શન ઓફિસરના પદ પર કાર્યરત હતી. મહિલાના પરિવારે તેના પતિ અને સાસરિયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્‍યો છે. પરિજનોનો દાવો છે કે, તેને સાસરીમાં સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, તેણે ફોન કરીને અમને આ જણાવ્‍યું હતું. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મહિલાની હત્‍યા કરવામાં આવી હોઈ શકે છે અને ત્‍યારબાદ સમગ્ર ઘટનાને આત્‍મહત્‍યાનું સ્‍વરૂપ આપવાનો પ્રયાસ થયો હોઈ શકે છે. જોકે, આ આરોપોની પોલીસ તપાસ કરી રહી છે અને હકીકત તપાસ તથા પોસ્‍ટમોર્ટમ બાદ વધુ સ્‍પષ્ટ થશે.

મૃતકની ઓળખ ૩૦ વર્ષીય નાઝિયા ખાન તરીકે થઈ છે. FIR મુજબ નાઝિયાના લગ્ન ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ અજમ અલી ખાન સાથે થયા હતા. નાઝિયાના પિતા તવાબ ખાનના નિવેદનના આધારે નોંધાયેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્‍યો છે કે, લગ્ન બાદથી જ નાઝિયાને તેનો પતિ અજમ અલી ખાન, સાસુ સમીમ નિશા, સસરા બાબર અલી ખાન અને સાસરિયાના અન્‍ય સભ્‍યો હેરાન કરી રહ્યા હતા અને ત્રાસ આપી રહ્યા હતા.

મૃતકના પરિવારજનોના જણાવ્‍યા અનુસાર, નાઝિયાને કથિત રીતે ગાળો આપવામાં આવતી, માર મારવામાં આવતો અને ઘરમાંથી કાઢી મૂકવાની સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. નાઝિયા ત્રણ મહિનાની ગર્ભવતી હતી. નાઝિયાના પિતાનો આરોપ છે કે, નાઝિયાના પતિને અનેકવાર કહેવા છતાં તેના વર્તનમાં કોઈ સુધારો આવ્‍યો નહોતો.

FIR મુજબ, ૨૧ ઓગસ્‍ટની સવારે લગભગ ૪ વાગ્‍યે નાઝિયાના પરિવારજનોને ફોન કરીને તેમની દીકરીના મોતની જાણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ પરિવારજનો ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. પરિવારે નાઝિયાના મોત અંગે શંકા વ્‍યક્‍ત કરી હતી. તેમનો આરોપ છે કે, સાસરિયાના લોકોએ તેની હત્‍યા કરી હોઈ શકે છે અને ઘટનાને આત્‍મહત્‍યાનું સ્‍વરૂપ આપ્‍યું હોઈ શકે છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, સબ-ઇન્‍સ્‍પેક્‍ટર સતપાલ ડાગર દ્વારકા સ્‍થિત મહિલાના ઘરે પહોંચ્‍યા હતા. પૂછપરછ દરમિયાન તેના પતિએ જણાવ્‍યું હતું કે, પત્‍ની સાથે ઝઘડો થયા બાદ તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી. ત્‍યારબાદ તેણે નાઝિયાને બારી સાથે લટકેલી હાલતમાં જોઈ હતી. મામલાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસે દ્વારકાથી ક્રાઇમ ટીમને ઘટનાસ્‍થળે બોલાવી હતી. ક્રાઇમ ટીમે ઘટનાસ્‍થળનું નિરીક્ષણ કર્યું અને ત્‍યાંના ફોટોગ્રાફસ લીધા હતા. ત્‍યારબાદ મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ડો. દિન દયાળ ઉપાધ્‍યાય (DDU) હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યો હતો.

તપોલીસના જણાવ્‍યા અનુસાર, ૨૧ ઓગસ્‍ટે નિવેદન નોંધવાની પ્રક્રિયામાં સમય લાગવાના કારણે પોસ્‍ટમોર્ટમ થઈ શક્‍યું નહોતું. ત્‍યારબાદ મૃતકના પિતા અને ભાઈએ એક્‍ઝિક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્‍યા હતા. જેમાં નાઝિયાના પિતા તવાબ ખાને પોતાના જમાઈ બાબર અજમ ખાનને દીકરીના મોત માટે જવાબદાર ઠેરવ્‍યો હતો અને તેની સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પોલીસનું કહેવું છે કે મામલાની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ આત્‍મહત્‍યાની પાછળની પરિસ્‍થિતિઓ ઉપરાંત પરિવારજનો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્‍થળેથી મળેલા પુરાવા, વિવિધ લોકોના નિવેદનો અને પોસ્‍ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(10:02 AM IST)