<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

અમેરિકામાં રહસ્યમય પદાર્થના સંપર્કમાં આવવાથી 3 લોકોનાં કરુણ મોત: અનેક લોકો બીમાર પડ્યા

અલ્બુકર્ક શહેરની પૂર્વમાં આવેલા માઉન્ટેનએયરના ઘરમાં 4 વ્યક્તિઓ બેભાન અવસ્થામાં મળ્યા :કુલ 23 લોકોને તપાસ માટે લવાયા:હજુ પણ 2 રાહતકર્મીઓની હાલત ગંભીર

અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યના માઉન્ટેનએયર શહેરમાં એક રહસ્યમય પદાર્થના સંપર્કમાં આવવાથી 3 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો બીમાર પડ્યા છે. આ ઘટના બાદ કુલ 23 લોકોને તપાસ અને ડી-કોન્ટેમિનેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.

ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, અલ્બુકર્ક શહેરની પૂર્વમાં આવેલા માઉન્ટેનએયરના એક ઘરમાં 4 વ્યક્તિઓ બેભાન અવસ્થામાં મળી આવી હતી. પોલીસને ડ્રગ ઓવરડોઝની શંકાના આધારે માહિતી મળી હતી. જ્યારે બચાવકર્મીઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેઓ પણ કોઈ અજાણ્યા પદાર્થના સંપર્કમાં આવી ગયા, જેના કારણે તેમને ઉબકા આવવા, ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યાઓ થવા લાગી.

ઘરમાં મળી આવેલા 4 લોકોમાંથી 3નાં મોત થયા છે, જ્યારે ચોથી વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કુલ 23 લોકોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા. હજુ પણ 2 રાહતકર્મીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટનાસ્થળે પહોંચેલી 'હાઝમેટ' ટીમ પદાર્થની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ પદાર્થ હવા દ્વારા ફેલાતું નથી, પરંતુ સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે.સ્થાનિક મેયર પીટર નીતોએ જણાવ્યું છે કે આ ઘટનાનું કારણ ડ્રગ્સ હોઈ શકે છે, પરંતુ હાલમાં સામાન્ય જનતા માટે કોઈ ખતરો નથી. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં વધતી જતી નશાખોરીની સમસ્યા સામે લોકોમાં આક્રોશ જગાડ્યો છે.

 

 

(8:22 PM IST)