News of Sunday, 6th September 2026
કેનેડામાં નાગરિકત્વ પુરાવાનું પ્રમાણપત્ર મેળવવા ૩૩ મહિનાની રાહ; ૧,૩૬,૦૦૦ અરજીઓનો ઢગલો, અરજદારોમાં ચિંતા હવે સતત વધી રહી છે
મેમાં ૧૨ મહિનાનો સમય સપ્ટેમ્બરમાં ૩૩ મહિના થયો; એક મહિનામાં જ પ્રતીક્ષામાં આઠ મહિનાનો મોટો ઉછાળો નોંધાતા વ્યવસ્થા ઉપર દબાણ

ટોરોન્ટો: કેનેડામાં નાગરિકત્વના પુરાવાનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ચિંતાજનક રીતે ધીમી બની છે. તા. ૫ સપ્ટેમ્બરની અદ્યતન માહિતી પ્રમાણે નવી અરજીના નિકાલનો અંદાજિત સમય વધીને ૩૩ મહિના થયો છે, જ્યારે નિર્ણયની રાહ જોતી અરજીઓનો આંકડો આશરે ૧,૩૬,૦૦૦ સુધી પહોંચી ગયો છે.
આ સમયમર્યાદા કેનેડાનું નવું નાગરિકત્વ મેળવવા માટેની સામાન્ય અરજીને લાગુ પડતી નથી. તે પહેલેથી કેનેડિયન નાગરિક હોય અને પોતાના નાગરિકત્વના પુરાવા તરીકે પ્રમાણપત્ર મેળવવા અથવા બદલાવવા માગતા લોકોની અરજીઓ માટે છે. વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોના સંતાનો અને જૂનું પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય તેવા લોકોને પણ આ દસ્તાવેજની જરૂર પડી શકે છે.
પ્રતીક્ષાનો સમય જાન્યુઆરીમાં આશરે ૧૦ મહિના હતો. તે મેમાં ૧૨, જૂનમાં ૧૫, જુલાઈમાં ૧૯ અને ઓગસ્ટમાં ૨૫ મહિના થયા બાદ સપ્ટેમ્બરમાં સીધો ૩૩ મહિના થયો છે. માત્ર એક મહિનામાં લગભગ ૧૪,૨૦૦ નવી અરજીઓ પ્રતીક્ષા યાદીમાં ઉમેરાઈ હોવાનું જણાવાયું છે.
લાંબી રાહને કારણે પાસપોર્ટ, રોજગાર, શિક્ષણ, પ્રવાસ અથવા કાનૂની કાર્યવાહી માટે નાગરિકત્વનો પુરાવો જરૂરી હોય તેવા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. અસાધારણ અને દસ્તાવેજી રીતે સાબિત કરી શકાય તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રક્રિયાની વિનંતી કરી શકાય છે, પરંતુ ઝડપી નિકાલની ખાતરી આપવામાં આવતી નથી.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
