<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જર્મની જવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓની અરજીમાં ૩૭૦% ઉછાળો

કિફાયતી ફી, ૧૮ મહિનાના વર્ક વિઝા, રોજગારીની તકો સહિતનાં આકર્ષણો જવાબદાર : યુએસ, કેનેડાને બદલે હવે જર્મની બન્‍યું ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ

નવી દિલ્‍હી તા.૧૫: અમેરિકા, કેનેડા તથા ઓસ્‍ટ્રેલિયા સહિતના દેશોએ આકરાં બનાવેલાં વિઝાના નિયમો ઉપરાંત ત્‍યાં રહેવા અને ભણવાના ખર્ચમાં થયેલાં અસહ્ય વધારાને પગલે ભારતીય વિદ્યાર્થીઓએ હવે જર્મની તરફ નજર દોડાવી છે. ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ચાલુ વર્ષએ જાન્‍યુઆરીથી જૂન દરમિયાન જર્મનીમાં અભ્‍યાસ કરવા માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૩૭૦ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. જર્મનીમાં અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ તથા ડેટા આધારીત પ્રોગ્રામ્‍સમાં સૌથી વધુ લોકપ્રિય હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.

લીપ સ્‍કોલર નામના એક પ્‍લેટફોર્મ દ્વારા વિદેશ ભણવા ઈચ્‍છતા આશરે ૧.૨૪ લાખ વિદ્યાર્થીઓની જાન્‍યુઆરીથી જૂન, ૨૦૨૬ દરમિયાન કરાયેલી અરજીઓના વિશ્‍લેષણ અને તેમના કાઉન્‍સેલિગના આંકડાના આધારે અહેવાલ તૈયાર કરાયો હતો. અહેવાલમાં જણાવ્‍યાં અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીને

હવે માત્ર શિક્ષણનો ઓછો ખર્ચ ધરાવતા દેશ તરીકે મૂલવવાને બદલે વિવિધ માપદંડોને આધારે મૂલવી રહ્યાં છે. જેમાં સરકારી યુનિવર્સિટીની પોષાય તેવી ફી, એઆઈ તથા ટેક્રોલોજી સંલગ્ન અભ્‍યાસક્રમોની માગ, અભ્‍યાસપૂર્ણ થયાં પછીની કામની તકના વિકલ્‍પો, વિઝાની પ્રક્રિયા, ભાષાની સજ્જતા તથા કારકિર્દી સહિતના માપદંડોનો સમાવેશ થાય છે.

૨૦૨૬ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, એમએસસી આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓના રસમાં ૬૦૦ ટકાનો જ્‍યારે, પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ પ્રોગ્રામ્‍સમાં ૮૨ ટકાનો ઉછાળો જોવાયો છે. ઉલ્‍લેખનીય છે કે, હાલમાં જર્મની શ્રમિકોની જબરદસ્‍ત અછતનો સામનો કરી રહ્યું છે. જર્મનીની ફેડરલ એમ્‍પ્‍લોઈ એજન્‍સીના આંકડા અનુસાર, ૨૦૨૬ના પ્રારંભમાં આશરે ૬.૩ લાખ નોકરીઓ ખાલી હતી. જેમાં સૌથી વધુ નોકરીની તકો ટેક્રોલોજી અને આરોગ્‍ય ક્ષેત્રમાં હતી. અભ્‍યાસ કર્યા પછી નોકરીની તક ઉપરાંત સરકારી યુનિવર્સિટીની પોષાય તેવી ફી, અભ્‍યાસ પછી ૧૮ મહિનાના વર્ક વિઝા, ઈયુ બ્‍લુ કાર્ડ માટેની તક તથા કૌશલ્‍ય ધરાવતાં ઉમેદવારો માટે નવું રજૂ કરાયેલું ઓપરચ્‍યુનિટી કાર્ડ સહિતના લાભોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે જર્મની પસંદગીનો દેશ બન્‍યો છે.

વધુમાં જણાવાયું છે કે, કમ્‍પ્‍યુટર સાયન્‍સમાં વિદ્યાર્થીઓના રસમાં ૨૭૩ ટકાનો જ્‍યારે ડેટા સાયન્‍સ તથા એઆઈ કોમ્‍બિનેશન અભ્‍યાસક્રમોમાં વિદ્યાર્થીઓનો રસમાં ૧૭૩ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો છે. જોકે તેનાથી વિપરીત એમબીએની પસંદગી કરનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે.

(9:50 AM IST)