News of Sunday, 6th September 2026
અચાનક પૂરની હોનારત વચ્ચે નેપાળમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ
ભોટેકોશી નદી પાસે તળાવ બનતાં પૂરના ભય વચ્ચે ભૂકંપથી ધ્રુજી ધરા : પૂરમાં મૃત્યુઆંક ૧,૩૪૪ થયો : NDRFની ટીમ શોધખોળમાં જોતરાઈ

કાઠમંડુ: તાજેતરમાં જ વિનાશક અચાનક પૂર અને ભૂસ્ખલનની હોનારતમાંથી ઉગરી રહેલા નેપાળમાં રવિવારે સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા મળતી સત્તાવાર માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી છે. આંચકો હળવો હોવાના કારણે કોઈ જાનમાલના મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ પૂર બાદ સર્જાયેલી સ્થિતિ વચ્ચે આ આંચકાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે ૬:૫૯:૪૭ વાગ્યે (IST) આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ૨૭.૭૪૭ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૮૬.૧૬૩ ડિગ્રી પૂર્વ રેખાંશ પર જમીનથી આશરે ૨૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે પૂરની આફત બાદ નેપાળમાં ભૂકંપનો આ બીજો આંચકો છે, અગાઉ ૨૭ ઓગસ્ટના રોજ પણ ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભોટેકોશી નદી નજીક નવું તળાવ બનવાથી નીચલા વિસ્તારોમાં ફરી પૂર આવવાની દહેશત વધી ગઈ છે.
નેપાળ પોલીસના તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, ગયા અઠવાડિયે ઉત્તર અને મધ્ય નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને ૧,૩૪૪ પર પહોંચી ગયો છે, જ્યારે આશરે ૫,૦૦૦ જેટલા લોકો હજુ પણ ગુમ છે. ભારે પૂરના કારણે અનેક ગામડાઓ અને વસાહતો કાદવ અને કાટમાળમાં તબ્દીલ થઈ ગયા છે. લશ્કરી અને સ્થાનિક રાહત ટુકડીઓએ અત્યાર સુધીમાં ૧૩,૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
